GUJARAT : બગદાણા કેસમાં હુમલો કરાવનારા ક્યારે ઝડપાશે? કોંગ્રેસનો સવાલ, પોલીસે કહ્યું- કોઈને છોડીશું નહીં

0
34
meetarticle

બગદાણામાં યુવાન પર હિચકારા હુમલાની ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો, પૂર્વ મંત્રી, ભાવનગરના નગરસેવક, કોળી સમાજના આગેવાનો મહુવાની હનુમંત હોસ્પિટલે દોડી આવ્યા હતા. કોઈ અઘટિત બનાવ ન બને તે માટે પોલીસે હોસ્પિટલ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ભાજપ નેતાઓ હુમલાખોરોને સજા અપાવવાની ખાતર આપી રહ્યા છે ત્યાં કોંગ્રેસે કાયદો વ્યવસ્થા અંગે સવાલ ઉઠાવ્યા છે. 

સોમવારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરીશું: ભાજપ ધારાસભ્ય હીરા સોલંકી 

પીડિત યુવાન નવનીત બાલધિયા હનન હનુમંત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અહીં ખબર અંતર પૂછવા આવ્યા હતા. હીરાભાઈ સોલંકીએ હુંકાર કરતાં કહ્યું હતું, કે તમામ ચમરબંધીઓને સજા આપવાની થાય છે. કોળી સમાજે બહુ સહન કર્યું છે. ગવે ભવિષ્યમાં કોઈ કોળી સમાજના લોકોનો ચાળો ન કરે તેવી સજા અપાવીશું. મોટા ભાઈ પરસોત્તમભાઈ સાથે પણ વાત થઈ ગઈ છે. સોમવારે કોળી સમાજના ધારાસભ્યોને લઈને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત રકવાની છે. 

ગુજરાતમાં ડબલ એન્જિન નહીં ગુંડાઓનું રાજ: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા 

આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીના પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યની ભાજપ સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે, કે ગુજરાતમાં ડબલ એન્જિન નહીં પણ ગુંડાઓનું રાજ ચાલી રહ્યું છે. બગદાણામાં કોળી સમાજના સરપંચ પરિવારના યુવાન પર ગુંડાઓ હુમલો કરી હાથ પગ તોડી નાંખે છે અને પોલીસ દેખાવ પૂરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે. હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? 

શું છે સમગ્ર મામલો? 

મહુવાના બગદાણામાં મોણપર ગામ નજીક 29 ડિસેમ્બરની મોડી રાતે આઠ શખસોએ યુવક પર ધોકા અને પાઈપ વડે હુમલો કર્યો હતો. જે બાદ આઠ શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પીડિત યુવકે લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જોકે મહુવાના ઈન્ચાર્જ DYSPએ દાવો કર્યો હતો કે દારૂની બાતમી આપ્યાની શંકાના કારણે નવનીતભાઈ પર હુમલો થયો હતો. 

માયાભાઈ આહીરના પુત્ર જયરાજ પર ગંભીર આરોપ

મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટીનું નામ લીધું હતું. જોકે બાદમાં નવનીત બાલધિયાએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ પણ મેનેજિંગ ટ્રસ્ટી નક્કી કરાયા નથી. ભૂલ સમજાતા માયાભાઈ આહીરે માફી માંગતો વીડિયો બનાવ્યો હતો. જેની દાઝ રાખી માયાભાઈના પુત્ર જયરાજે હુમલો કરાવ્યો હોય તેવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. 

પોલીસ સામે પણ કેમ છે રોષ? 

નોંધનીય છે કે સમગ્ર કેસમાં પીડિતે લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજનો દોરીસંચાર હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે PI અને DYSPએ પ્રાથમિક તપાસમાં જ જયરાજની કોઈ સંડોવણી નથી તેમ કહી ક્લીનચિટ આપી હતી. 

PI ડાંગરની બદલીનો આદેશ 

જોકે સમગ્ર મામલે પોલીસ પર ગંભીર આરોપો થતાં હોવાથી જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી બગદાણાના PI ડી વી ડાંગરની બદલી કરીને લીવ રિઝર્વમાં મૂકી દીધા છે. જ્યારે આ કેસની તપાસ મહુવા ટાઉનના PI પટેલને સોંપી છે. 

જિલ્લા પોલીસ વડાએ કેસ ડાયવર્ટ નહીં થાય તેવી ખાતરી આપી 

આ મામલે જિલ્લા પોલીસ વડા નિતેષ પાંડેએ જણાવ્યું છે, કે પ્રાથમિક તબક્કે ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. કેસ ડાયવર્ટ કરવામાં આવી રહ્યો હોય તેવી કોઈ વાત જ નથી. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ, સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે કોઈને છોડવામાં નહીં આવે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here