બાલાસિનોરમાં એક તરફ ઔદ્યોગિક ક્ષેત્રે જીઆઇડીસીની કફોડી દશા છે, ત્યારે બીજી તરફ સહકારી ક્ષેત્રમાં અગત્યની સંસ્થા માર્કેટિંગ યાર્ડ પણ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે. લગભગ છ દસકા કરતા વધારે જૂના બાલાસિનોરના માર્કેટગ યાર્ડમાં હાલ હરાજી જ બંધ છે. પરિણામે તાલુકાના ૨૦ હજારથી વધારે નાના ખેડૂતોને ખુલ્લા બજારમાં જે ભાવ મળે તે ભાવે પોતાની જણસો વેચી દેવાની ફરજ પડે છે. સ્પર્ધાત્મક વાતાવરણના અભાવે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી.

બાલાસિનોર શહેરમાં શક્તિ ટોકિઝ સામે લગભગ છ દસકા કરતા વધારે સમયથી કાર્યરત માર્કેટિંગ યાર્ડ તો છે, પરંતુ અહીં ખેડૂતોના ખેત ઉત્પાદનની ખરીદી થતી નથી. બાલાસિનોર તાલુકામાં ખેતીની કુલ જમીન ૨૧,૨૦૩ હેક્ટર છે. જેના પર ૨૦ હજારથી વધારે ખેડૂતો દ્વારા કપાસ, ડાંગર, દિવેલા, ઘઉં, સોયાબિન, મગફળી, બાજરી, તમાકુ, રાય, ચણા જેવા પાક લેવામાં આવે છે. આ ઉત્પાદનો વેચવા માટે માર્કેટયાર્ડ હોવાછતાં સુવિધા ખેડૂતોને મળતી નથી. માર્કેટયાર્ડ કાર્યરત હોય તો હરાજી દ્વારા ખેડૂતોને સારા ભાવ મળી શકે છે. પરંતુ હાલ ખેડૂતોએ ખુલ્લા બજારમાં જે ભાવ મળે તે ભાવે ઉત્પાદનો વેચી દેવા પડે છે અથવા તો વિરપુર, ડેમાઇ, લુણાવાડા જેવા દૂરના માર્કેટ યાર્ડ સુધી મોંઘા ભાડા ખર્ચીને ખેત ઉત્પાદનો લઇ જવા પડે છે. કેન્દ્ર સરકાર સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવાના પ્રયાસો ભલે કરી રહી હોય, પરંતુ બાલાસિનોરમાં ખેડૂતો આજે પણ આ મહત્વની સહકારી સુવિધાથી વંચિત છે.અમે સુવિધાઓ આપીએ છીએ છતાં વેપારીઓ ખરીદી માટે આવતા નથી’ : ચેરમેન
બાલાસિનોર માર્કેટિંગ યાર્ડના ચેરમેન પંકજભાઇ જણાવે છે કે, અમે યાર્ડમાં બધી સુવિધા આ૫વા માટે તૈયાર છીએ, પરંતુ વેપારીઓ માલ ખરીદવા માટે આવતા નથી. પરિણામે ખેડૂતો પણ માલ વેચવા આવતા નથી. વેપારીઓને અહીં પીવાનું પાણી, ગોડાઉન, સિક્યોરિટી, ફ્રી વજનકાંટો વગેરે સુવિધા આપવા કમિટીની તૈયારી છે. ભૂતકાળમાં આ બાબતે મીટિંગ પણ કરી હતી. છતાં કોઇ આવવા તૈયાર નથી. હાલમાં સરકારી ટેકાના ભાવની ખરીદી માટે યાર્ડની જગ્યા આપવામાં આવે છે. મોટા ખેડૂતો તો સીધા જ ઉત્પાદનો લઇને બહાર જતા રહે છે.
4-5 મહિનામાં શાકભાજીની ખરીદી શરૂ કરાશે
બાલાસિનોર માર્કેટયાર્ડમાં ખેત ઉત્પાદનોની ખરીદી ભલે બંધ હોય, ૫રંતુ આગામી ચાર-પાંચ મહિનામાં શાકભાજીની ખરીદી અહીં શરૂ થશે. ચેરમેન આ અંગે વિગતો આપતા વધુમાં જણાવે છે કે, શાકભાજીની ખરીદી અને વેચાણ અંગેની મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. સરકારમાંથી નિર્ણય થયે તરત જ શાકભાજીનું ખરીદ-વેચાણા ચાલું કરી દેવાશે.

