એક તરફ દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે સામાપક્ષે બાલાસિનોરમાં ખુદ નગર પાલિકાના કામદારો દ્વારા જ શહેરની મધ્યમાં જાહેરમાં કચરાનો ઢગલો એકત્ર કરવામાં આવતા આસપાસના વિસ્તારમાં ભારે ગંદકી ફેલાઇ રહી છે.

બાલાસિનોર શહેરમાં નગર પાલિકા દ્વારા દરરોજ સફાઇ તો કરવામાં આવે છે. પરંતુ ઘરે ઘરેથી એકત્ર કરવામાં આવેલા કચરાનો દરરોજ સવારે નિશાળ ચોકમાં જાહેરમાં ઢગલો કરવામાં આવે છે. ત્યાંથી પછી ટ્રેક્ટરમાં ભરીને ડમ્પિંગ સાઇટ ખાતે લઇ જવામાં આવે છે. કચરાનો આ ઢગલો બેથી ત્રણ કલાક સુધી જાહેર ચોકમાં પડયો રહે છે. પરિણામે સૌપ્રથમ તો ત્યાં ગાય અને શ્વાન જેવા રખડતા પશુઓ અડિંગો જમાવે છે. આ સિવાય પવનમાં કચરો ઉડીને આસપાસના વિસ્તારમાં ફેલાઇ જાય છે. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ પણ આનાથી ત્રાસી ગયા છે. હકીકતમાં ઘરે ઘરેથી એકત્ર કરેલો કચરો સીધા જ ડમ્પિંગ સાઇટ પર લઇ જવો જોઇએ. કચરાના આ ઢગલાના કારણે સ્વચ્છ ભારત અભિયાનના જાણે કે લીરાં ઉડતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.

