બાલાસિનોર તાલુકાના પાંડવા ગામે કિસાન ગોષ્ઠી કાર્યક્રમમાં ધારાસભ્ય માનસિંહજી ચૌહાણે પરંપરાગત ખેતી પદ્ધતિઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું.
બાલાસિનોર તાલુકાના પાંડવા ગામે, આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવા માટે એક સફળ કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ કાર્યક્રમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમની અધ્યક્ષતા સ્થાનિક ધારાસભ્ય માનસિંહજી ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. આ ગોષ્ઠીનો મુખ્ય ઉદ્દેશ રાસાયણિક ખેતીના નુકસાનકારક પરિણામો સામે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના મહત્વ અને ફાયદાઓ વિશે ખેડૂતોને માહિતગાર કરવાનો હતો, જેથી વધુમાં વધુ ખેડૂતો આ મોહિમમાં જોડાઈ શકે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય માનસિંહજી ચૌહાણે પરંપરાગત ખેતી પદ્ધતિઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. વિશેષજ્ઞ તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુરથી પધારેલા વૈજ્ઞાનિક શ્રી ડો. જયપાલ જાદવે પ્રાકૃતિક ખેતીની વિશેષતાઓ, તેની જરૂરિયાત અને તેના દ્વારા થતા અસંખ્ય ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ક્લસ્ટરના પ્રગતિશીલ ખેડૂતો, જેઓ પ્રાકૃતિક ખેતી કરે છે, તેમણે પણ પોતાના જાત અનુભવો, દેશી બિયારણના ફાયદાઓ અને બજાર વ્યવસ્થા વિશેની માહિતી આપીને અન્ય ખેડૂતોને પ્રેરિત કર્યા હતા.કિસાન ગોષ્ઠીમાં પ્રાકૃતિક ખેતીને વધુ નફાકારક બનાવવા માટે અન્ય પૂરક વ્યવસાયો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે જે આ કાર્યક્રમમાં રાસાયણિક ખેતીના હાલના પડકારો પર ભાર મૂકવામાં આવ્યો હતો. શરૂઆતમાં અનાજની અછતને પહોંચી વળવા અપનાવાયેલી રાસાયણિક ખેતી, હવે ખાતરો અને દવાઓના અતિશય ઉપયોગને કારણે જમીનને નિશ્ચેતન બનાવી રહી છે. તેના પરિણામે જમીનમાં ક્ષાર વધ્યો છે, પાકની ઉપજ ઘટી છે, અને મોંઘા બિયારણો તથા રોગ-જીવાતનો ઉપદ્રવ પણ વધ્યો છે. આ બધી સમસ્યાઓના નિવારણ માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને જ ઉત્તમ માર્ગ ગણાવવામાં આવ્યો હતો. પ્રાકૃતિક ખેતી જમીનને ફળદ્રુપ બનાવે છે, ભેજ સંગ્રહની શક્તિ વધારે છે, અને અળસિયા સહિતના ઉપયોગી સૂક્ષ્મ જીવોને સક્રિય કરીને પાકને પોષણ પૂરું પાડે છે. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન આત્મા અને બોર્ડના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છતા અનેક ખેડૂતોએ હાજરી આપીને માર્ગદર્શન મેળવ્યું હતું.
REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા મહિસાગર

