મહિલા અને બાળ અધિકારી કચેરી, પોરબંદર દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત કુતિયાણા તાલુકાના આરોગ્ય કાર્યકરો તથા આશા બહેનો માટે PC & PNDT એક્ટ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન તાલુકા આરોગ્ય કચેરી, કુતિયાણા ખાતે કરવામાં આવ્યું હતું.

આ સેમિનારનો મુખ્ય હેતુ આરોગ્ય કર્મચારીઓને PC & PNDT કાયદાની જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપવું, ગર્ભમાં બાળકના જાતિ નિર્ધારણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવી તેમજ જિલ્લામાં લિંગ ગુણોત્તર સુધારવા માટે સજાગતા વધારવી છે.
સેમિનાર દરમિયાન ડો. સંધ્યાબેન જોશીએ PC & PNDT કાયદાની જોગવાઈઓ, જાતિ નિર્ધારણના કાયદાકીય પરિણામો તથા આરોગ્ય કર્મચારીઓની જવાબદારીઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ મહિલા સશક્તિકરણ માટે કાનૂની જાગૃતિ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂકાયો હતો.
કુતિયાણા તાલુકાના ૧૦૪ આરોગ્ય કાર્યકરો તથા આશા બહેનોએ સેમિનારમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. તમામ ઉપસ્થિતોને જાગૃતિ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.બી. પરમાર, તાલુકા હેલ્થ વિઝીટર રાંભીબેન ઓડેદરા, “સંકલ્પ – ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન” તરફથી ડો. સંધ્યાબેન જોશી (ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર), ચિરાગ દવે (જેન્ડર સ્પેશ્યાલિસ્ટ), સૌરભભાઈ મારુ (લિટ્રેસી ઇન ફાઇનાન્સ) તથા રાજેશ ટાંકની ઉપસ્થિતિ નોંધાઈ હતી.
આ સેમિનારથી કર્મચારીઓને PC & PNDT કાયદો તથા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંગે વ્યાપક જ્ઞાન પ્રાપ્ત થયું, જે જિલ્લામાં લિંગ સમતુલા જાળવવા અને ગર્ભમાં જાતિ નિર્ધારણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અસરકારક કામગીરી માટે મદદરૂપ રહેશે.
રિપોર્ટર: વિરમભાઇ કે. આગઠ

