બોડેલી તાલુકાના લઢોદ થી ધારોલી ગામ તરફ જતા મુખ્ય માર્ગની સાઈડમાં મરેલા પશુઓ નાખી જવાના સતત બનતા બનાવોને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માર્ગની સાઈડમાં મરેલા પશુઓ ફેંકી દેવામાં આવતા હોવાના કારણે ગામના કુતરા તેમજ અન્ય પક્ષીઓ ત્યાં આવીને પશુઓના અવશેષો ખેંચી બગાડ કરે છે અને ત્યારબાદ તે જ કુતરા ગામમાં આંટાફેરા મારતા હોવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ, મરેલા પશુઓને કારણે રોડ પર તથા આસપાસના વિસ્તારોમાં માખી–મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, આ માર્ગ પરથી પસાર થનારા વાહનચાલકો અને રાહદારીઓને એટલી તીવ્ર દુર્ગંધનો સામનો કરવો પડે છે કે કેટલાક લોકોને ઉલટી થવાના બનાવો પણ સામે આવ્યા છે. ખાસ કરીને શાળાએ જતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને આ સ્થિતિથી ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
ગ્રામજનોનું વધુમાં કહેવું છે કે ખુલ્લામાં મરેલા પશુઓ પડ્યા રહેતા હોવાના કારણે ભવિષ્યમાં કોઈ ગંભીર રોગચાળો ફેલાવાનો પણ મોટો ભય સતાવી રહ્યો છે. આરોગ્યની દૃષ્ટિએ આ સ્થિતિ અત્યંત જોખમી બની ગઈ હોવા છતાં સંબંધિત તંત્ર તથા સ્થાનિક જવાબદારોએ હજુ સુધી કોઈ નક્કર પગલા ન લીધા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
આ ગંભીર મુદ્દે સ્થાનિક આગેવાનો તથા જાગૃત નાગરિકોએ લઢોદ અને ધારોલી બંને ગામના સરપંચો તથા પંચાયતના જવાબદાર અધિકારીઓને તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા અપીલ કરી છે. આગેવાનોનું કહેવું છે કે જ્યારે પણ કોઈ પશુનું મૃત્યુ થાય ત્યારે તેને ખુલ્લામાં રોડની સાઈડમાં ફેંકી દેવાને બદલે JCB મશીન દ્વારા મોટો ખાડો ખોદી નિયમસર દફનાવવામાં આવે તેવી કાયમી અને વ્યવસ્થિત સિસ્ટમ ગોઠવવામાં આવે.
ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે આ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય અને વિસ્તારને રોગચાળાની ભીતિમાંથી મુક્ત કરી શકાય. હવે જોવાનું રહ્યું છે કે સ્થાનિક પંચાયત અને જવાબદાર તંત્ર આ ગંભીર સમસ્યા સામે ક્યારે પગલા ભરે છે.
રિપોર્ટર : તોસીફ ખત્રી

