ભરૂચ તાલુકાના કંથારીયા દલાલ સ્ટ્રીટ પાસે પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા રસ્તા પર પસાર થઈ રહેલી રીક્ષા, કાર અને મોપેડને એકસાથે અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં મોપેડ ચાલક અરુણ અરવિંદભાઈ રાઠોડ (રહે. ભોલાવ) ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પાંચથી વધુ લોકો લોહીલુહાણ થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભોલાવના ડેરા તલાવડી વિસ્તારના એક જ પરિવારના સભ્યો રીક્ષામાં સવાર થઈ દેરોલ જઈ રહ્યા હતા ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરે તેમની રીક્ષાને જોરદાર ટક્કર મારી પલટી ખવડાવી દીધી હતી. અકસ્માત સર્જી માનવતા નેવે મૂકી ડમ્પર ચાલક વાહન મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
