ભરૂચ શહેરના કસક વિસ્તારમાં વન્યજીવ શાહુડીનો આખો પરિવાર વિચરણ કરતો હોવાની માહિતી મળતા વન વિભાગ અને સ્થાનિક જીવદયા પ્રેમીઓની ટીમ હરકતમાં આવી છે. અંદાજે ૦૫ શાહુડીઓ આ વિસ્તારમાં ફરી રહી હોવાની સ્થાનિકોની ફરિયાદ બાદ ગત રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા આ વન્ય જીવોને સુરક્ષિત રીતે પકડવા માટે પાંજરા પણ મુકવામાં આવ્યા છે.

ઘટનાની વિગત મુજબ, કસક વિસ્તારની પટેલ સોસાયટીમાં વન્યજીવ શાહુડી દેખાઈ હોવાની જાણ થતા જ વર્ષોથી વન્યજીવ રેસ્કયૂમાં અનુભવી એવા જીવદયા પ્રેમી મિતુલ પટેલ (અન્નકૂટ સ્વીટ), કામધેનુ ગૌરક્ષા સમિતિના આશિષ શર્મા, નેચર પ્રોટેક્શન ક્લબના યોગેશ મિસ્ત્રી અને રમેશભાઈ દવેની ટીમ સ્થળ પર પહોંચી હતી. ગત રાત્રે ૧૦ કલાકે કરજીતભાઈ પટેલના કમ્પાઉન્ડમાં આ વન્યજીવો દેખાયા હતા, પરંતુ અંધકારના કારણે રેસ્કયૂ કરવામાં મુશ્કેલી પડી હતી. વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અત્યારે આ વન્યજીવોને સુરક્ષિત રીતે પકડી કુદરતી આવાસમાં છોડવા માટે તજવીજ હાથ ધરાઈ છે.

