ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ હેઠળ ₹24 કરોડના વિકાસ કાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ભરૂચ-અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (બોઉડા)ની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી આ વિસ્તારમાં બાંધકામ અને સુઆયોજિત વિકાસનો માર્ગ મોકળો થયો છે.
આ યોજના હેઠળ 23.53 હેક્ટર જમીનનો ઉપયોગ સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના રહેણાંક, બાગ-બગીચા અને અન્ય સામાજિક સુવિધાઓ માટે કરવામાં આવશે. આ ઉપરાંત, ભરૂચ શહેરના વાહનવ્યવહારને સુગમ બનાવવા માટે 60 મીટરનો રિંગ રોડ બનાવવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત, અંદાજિત ₹21 કરોડના ખર્ચે બે નવા ટી.પી. રોડ બનાવવામાં આવશે. જેમાં સંસ્કારવિલાથી અગ્રીમ હાઈટ્સને જોડતો 2 કિ.મી. લાંબો રસ્તો અને NH-48 થી પસાર થતો 1.40 કિ.મી. લાંબો રસ્તો સામેલ છે. ઝાડેશ્વર અને વાલીયા ચોકડી પર જંકશન ડેવલપમેન્ટ અને બ્યુટીફિકેશન માટે પણ ₹1.80 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. ગડખોલ ઓવરબ્રિજ પાસે પણ ₹1 કરોડથી વધુના ખર્ચે સુવિધાઓ વિકસાવાશે. આ વિકાસકાર્યોથી ભરૂચના નાગરિકોને મોટી રાહત મળશે.

