નવરાત્રીના પાવન પર્વની શરૂઆત સાથે જ ભરૂચના તવરા ગામે આવેલા પાંચ દૈવી મંદિરમાં આહિર સમાજ દ્વારા પરંપરાગત રીતે જવારાની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરમાં સિંધવાઈ માતાજી, મહાકાળી માતાજી, ખોડિયાર માતાજી, મેલડી માતાજી અને મોગલ માતાજી બિરાજમાન છે.

નવરાત્રીના પ્રથમ દિવસે, ભાવિક ભક્તોએ નર્મદા સ્નાન કરીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઘઉં, જુવાર, વાલ, તલ અને જવ જેવા કઠોળોનો ઉપયોગ કરીને આ જવારાનું સ્થાપન કર્યું હતું. આગામી દસ દિવસ સુધી આ જવારાનું પૂજન-અર્ચન કરવામાં આવશે અને દશેરાના પવિત્ર દિવસે નર્મદા નદીમાં તેનું વિસર્જન કરવામાં આવશે.
નવરાત્રી દરમિયાન, આ પાંચ દૈવી મંદિરોમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડશે. આહિર સમાજ દ્વારા વર્ષોથી ચાલતી આ પરંપરા ધાર્મિક શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક બની રહી છે.

