ભરૂચ તાલુકાના દયાદરા અને કેલોદ ગામને જોડતા માર્ગ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતાં બે યુવકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

આ ઘટનામાં બાઇક પર સવાર બંને યુવકો ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકોમાંથી એક યુવક આછોદ ગામનો અને બીજો કેલોદ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જોકે તેમના નામ અને અન્ય વિગતો હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.
ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને રાહદારીઓ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોને તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

