ભરૂચમાં સ્થાયી થયેલા મૂળ દેરોલના વતની યોગીતાબેન ગણપતભાઈ પ્રજાપતિએ સંસ્કૃત વિષયમાં ડોક્ટરેટની પદવી (PhD) હાંસલ કરીને પ્રજાપતિ સમાજ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેમને સત્તાવાર રીતે આ પદવી એનાયત કરવામાં આવી છે. તેમની આ શૈક્ષણિક સિદ્ધિ બદલ સમગ્ર પંથકમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

ડો. યોગીતાબેન પ્રજાપતિએ આધુનિક સંસ્કૃત સાહિત્યના પ્રખર કવિ હર્ષદેવ માધવ રચિત ‘શતકત્રયમ્’ પર પોતાનો મહાશોધ નિબંધ પ્રસ્તુત કર્યો હતો. તેમણે ‘મૃત્યુશતકમ્’, ‘ભૂતપ્રેતશતકમ્’ અને આજના ટેકનોલોજી યુગના ‘વોટ્સએપશતકમ્’ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે. ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રોફેસર ડો. દીપક પારેખના માર્ગદર્શન હેઠળ તેમણે આ કપરી શૈક્ષણિક સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. પરંપરાગત વિષયોથી હટીને આધુનિક સંદર્ભો સાથેના તેમના સંશોધનને શિક્ષણવિદોએ પણ મુક્તકંઠે બિરદાવ્યું છે. દીકરીઓએ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે મેળવેલી આ સફળતા સમાજ માટે પ્રેરણારૂપ બની છે.

