ભરૂચ પોલીસ અને બૌડા (ભરૂચ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા ભરૂચ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવા નિમાયેલા ભરૂચ જિલ્લા એસ.પી. અક્ષયરાજ મકવાણાના નિર્દેશન હેઠળ, ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા ગુજરાત અને ભરૂચ જિલ્લાના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસ્થના નિવાસસ્થાન પર ગુંડા એક્ટ-૨૦૨૫ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

તાજેતરમાં, નયન કાયસ્થના ઘરમાં વધારાનું ગેરકાયદેસર બાંધકામ હોવાની ફરિયાદ મળ્યા બાદ તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન, બૌડા વિભાગના અધિકારીઓએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેસીબી અને હથોડાથી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું.
આ કાર્યવાહીથી તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભવિષ્યમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ અને ગુંડા એક્ટ હેઠળ નોંધાયેલા ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

