ભરૂચ સબજેલમાં બંધ છેતરપિંડીના કેસનો આરોપી દશરથ રામજી ઘાંધલીયા (રહે. સુરત, મૂળ ભાવનગર) કોર્ટમાં હાજરી આપ્યા બાદ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો છે. આ મામલે ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ બે પોલીસકર્મીઓ સહિત કુલ ત્રણ સામે ભરૂચ ‘બી’ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

ભરૂચ હેડ ક્વાટર્સમાંથી કેદી જાપ્તા માટે દહેજ પોલીસ સ્ટેશનના ASI ભૂપેન્દ્રસિંહ ગંભીરસિંહ અને અંકલેશ્વર GIDCના કોન્સ્ટેબલ યોગેશ રાજભાને ફરજ સોંપવામાં આવી હતી. કોર્ટમાંથી આરોપીનો કબજો મેળવ્યા બાદ ASI ભૂપેન્દ્રસિંહે કોન્સ્ટેબલને ઘરે મોકલી દીધો હતો. ત્યારબાદ ASIએ પોતે આરોપી દશરથને ઇંટવાલા પેટ્રોલ પંપ પાસે પત્નીને મળવા જવા દીધો હતો અને સાંજે ૫ વાગ્યે પરત આવવા જણાવ્યું હતું, પરંતુ તે પાછો ફર્યો નહોતો.
ફરાર થયેલો આરોપી દશરથ ખોટી વિગતો પર બેંક ખાતા ખોલાવીને રૂપિયાની હેરાફેરી કરવાના છેતરપિંડીના કેસમાં પકડાયો હતો. આ ગંભીર બેદરકારી બદલ ફરાર કેદી દશરથ ઘાંધલીયા અને બંને પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી તથા ફરાર કેદીની શોધખોળ શરૂ કરી છે.

