ભરૂચની શ્રવણ ચોકડી નજીક આવેલા એક કોમ્પ્લેક્સમાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો છે. ભરૂચ એસ.ઓ.જી. (Special Operations Group)ની ટીમે મસાજ સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર દરોડો પાડીને એક આરોપીને ઝડપી પાડ્યો છે.

પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે શ્રવણ ચોકડી પાસે આવેલ ‘રંગપ્લેટીનુમા કોમ્પ્લેક્સ’ના બીજા માળે આવેલ “હની સ્પા”માં પ્રોફેશનલ સ્પાના નામે બહારથી યુવતીઓ બોલાવીને દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે, એસ.ઓ.જી.ની ટીમે ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન, પોલીસે સ્પાના મેનેજર અરૂણ રામસ્વરૂપ જયરામ લોદી (ઉ.વ. ૨૧, મૂળ રહે. મધ્ય પ્રદેશ)ને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે મેનેજર અરૂણ તેના સાગરિત, વોન્ટેડ આરોપી ઇશિપ્ત પટેલ (રહે. ભરૂચ) સાથે મળીને આ ધંધો ચલાવતો હતો. તેઓ ગ્રાહક દીઠ મળતી રકમના ૪૦% પોતે રાખતા અને બાકીના ૬૦% દેહ વ્યાપાર કરતી યુવતીઓને આપતા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રૂ. ૪,૫૦૦/-, એક મોબાઈલ ફોન, લાઈટ બિલ અને સ્પાના મેનુ સહિત કુલ રૂ. ૯,૫૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ અંગે ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મેનેજર અરૂણ લોદી અને વોન્ટેડ આરોપી ઇશિપ્ત પટેલ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે વોન્ટેડ આરોપી ઇશિપ્ત પટેલને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

