મહિલા સશક્તિકરણ અને સામાજિક સુરક્ષાને વેગ આપવા માટે ભરૂચના પોલીસ અધિક્ષક (SP) અક્ષયરાજે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.આર.વાઘેલા અને પીએસઆઈ વૈશાલી આહીર પણ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન, જિલ્લાની નવ NGOના પ્રતિનિધિઓએ પોતાની સંસ્થાઓ દ્વારા થતી કામગીરીની માહિતી આપી. SP અક્ષયરાજે મહિલાઓના હિત માટે પોલીસ વિભાગની કામગીરીની વિગતો રજૂ કરી અને સમાજમાં સકારાત્મક કામગીરી માટે NGOને સહયોગ આપવા અપીલ કરી.
આ પ્રકારની પહેલ ભરૂચ જિલ્લામાં પ્રથમવાર થઈ હોવાથી, NGO પ્રતિનિધિઓએ SP અક્ષયરાજનું ફૂલ અને શાલથી સન્માન કર્યું. આ ઉપરાંત, શાળાઓ, કોલેજો અને કંપનીઓમાં મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમો યોજતા PSI વૈશાલી આહીરનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું.
આ બેઠક પોલીસ અને સામાજિક સંસ્થાઓ વચ્ચેનો સેતુ બની રહી છે, જે ભવિષ્યમાં મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે વધુ અસરકારક કામગીરીનો માર્ગ મોકળો કરશે. આયોજન બદલ NGO પ્રતિનિધિઓએ પોલીસ અધિક્ષકનો આભાર વ્યક્ત કર્યો હતો

