જિલ્લામાં આગામી રવિવારે, ૧૪ સપ્ટેમ્બરના રોજ, તલાટી વર્ગ-૩ની ભરતી માટેની પ્રાથમિક પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે ભરૂચ અને અંકલેશ્વરમાં કુલ ૩૭ કેન્દ્રો પર ૧૦,૮૪૨ ઉમેદવારો પરીક્ષા આપશે.

પરીક્ષાના સુચારૂ સંચાલન માટે જિલ્લા નિવાસી અધિક કલેક્ટર એન.આર. ધાંધલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં સંબંધિત તમામ અધિકારીઓને તટસ્થતા અને પારદર્શિતા સાથે પરીક્ષાનું સંચાલન કરવા સૂચના આપવામાં આવી હતી.
પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો માટે સીસીટીવી કેમેરા, લાઇટ, પંખા, પીવાના પાણી અને બાયોમેટ્રિક વેરિફિકેશન જેવી તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત, આરોગ્ય સેવાઓ અને બસ સેવાઓ માટે પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પરીક્ષાનો સમય બપોરે ૨ થી ૫ વાગ્યાનો રહેશે. ઉમેદવારોને પરીક્ષા શરૂ થવાના બે કલાક પહેલા કેન્દ્રમાં પ્રવેશ મેળવી લેવા જણાવાયું છે. પરીક્ષાની સુરક્ષા માટે ૩૭ મંડળના પ્રતિનિધિઓ, ૩૭ તકેદારી સુપરવાઇઝરો અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ તમામ તૈયારીઓની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.

