જૈન ધર્મના ત્રેવીસમા અને અતિ પ્રભાવશાળી તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનનો ૨૯૦૨મો “જન્મ કલ્યાણક મહોત્સવ” આજરોજ ભરૂચના શ્રીમાળી પોળ ખાતે ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો.

જૈન ધર્મમાં જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન વગેરે દિવસોને ‘કલ્યાણક દિન’ તરીકે ઉજવવામાં આવે છે. પાર્શ્વનાથ ભગવાનનો જન્મ વારાણસીના રાજા અશ્વસેન અને માતા વામાદેવીના આંગણે થયો હતો. તેમના નામકરણ પાછળ એવી ઘટના છે કે માતાના ગર્ભકાળ દરમિયાન બાજુમાંથી (પાર્શ્વમાંથી) પસાર થતા સર્પને તેમણે જોયો, પરંતુ પ્રભુના પ્રભાવે તે શાંત રહ્યો.
પ્રભુ પાર્શ્વનાથના ઉપદેશમાં દયા, દાન, શીલ અને તપનું ઉત્કૃષ્ટ પાલન કરવાનો મુખ્ય સંદેશ છે. તેઓએ કમઠના યજ્ઞમાંથી બળતા સાપને બચાવીને તેને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવ્યું, જે સાપ મૃત્યુ પામી ધરણેન્દ્ર દેવ બન્યો અને પ્રભુનો ભક્ત બની ગયો. અંતે, સંયમ જીવનની સાધના કરી પ્રભુ સંમેત શિખર ખાતે નિર્વાણ પામ્યા હતા.
શ્રીમાળી પોળ ખાતે યોજાયેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવક-શ્રાવિકાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાન પાર્શ્વનાથનું પૂજન, અર્ચન, દર્શન અને આરતી કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. આજે પણ શંખેશ્વર, જીરાવાલા જેવા ૧૦૮ પ્રભાવક તીર્થો પ્રભુ પાર્શ્વનાથના નામે પ્રસિદ્ધ છે.
