ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે બાતમીના આધારે રેલવે ગોદી રોડ પર વોચ ગોઠવી એક રીક્ષામાંથી વિદેશી દારૂની ૨૧૬ નંગ બોટલ ઝડપી પાડી છે. પોલીસે ₹૧.૧૨ લાખના મુદ્દામાલ સાથે બે બૂટલેગરોની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર સહિત અન્ય બે સાગરીતોને વોન્ટેડ જાહેર કરી તપાસ તેજ કરી છે.

ઘટનાની વિગત મુજબ, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બે ઈસમો રીક્ષામાં દારૂ ભરી સ્ટેશન વિસ્તારથી ગોદી રોડ તરફ જઈ રહ્યા છે. પોલીસે ગોદી રોડ પાણીની ટાંકી પાસે નાકાબંધી કરી બાતમી મુજબની રીક્ષાને આંતરી હતી. તલાશી દરમિયાન રીક્ષામાંથી ₹૪૨,૦૦૦ની કિંમતની દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે સહેજાદ ઈમ્તિયાઝ શેખ અને શરીફ નવાજ મલેક (બંને રહે. અમન રેસિડેન્સી, ભરૂચ) ને દબોચી લીધા હતા. દારૂ, રીક્ષા અને મોબાઈલ મળી કુલ ₹૧,૧૨,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ફરાર અજય વસાવા સહિતના આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

