ભરૂચ સેશન્સ કોર્ટે ગતરોજ એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા આમોદ તાલુકાના દોરા ગામમાં 2021માં થયેલી હત્યાના આરોપીને આજીવન કેદ અને ₹30,000 નો દંડ ફટકાર્યો છે. આ કમનસીબ ઘટનામાં એક યુવકે પિતા-પુત્રનો ઝઘડો છોડાવવા જતાં જીવ ગુમાવ્યો હતો.

આ કેસની વિગતો અનુસાર, 18 માર્ચ, 2021ના રોજ આરોપી રાજેશ વસાવા તેના પિતા સાથે ઝઘડી રહ્યો હતો. ત્યારે પાડોશી કિશન વસાવા વચ્ચે પડતા રાજેશે ગુસ્સામાં તેના પર લાકડીથી હુમલો કર્યો હતો. માથા અને મોઢા પર ગંભીર ઈજા થતાં કિશનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
આમોદ પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી હતી અને પૂરતા પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ભરૂચના બીજા એડિશનલ સેશન્સ જજ ઈ.એમ. શેખની કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી. સરકારી વકીલ મનોહરસિંહ રાઠોડે 17 સાક્ષીઓ અને 24 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને હત્યાનો દોષિત ઠેરવ્યો અને આકરી સજા ફટકારી હતી.

