ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે પોતાની સતર્કતા અને બાતમીદારોના નેટવર્કના આધારે દહેજ પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાસતા ફરતા એક આરોપીને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી ઝડપી પાડ્યો છે.

ભરૂચ LCB ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે દહેજ પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૨ ના મારામારીના ગુનામાં નાસતો ફરતો આરોપી અખીલેશ ગંગારામ દિવાકર (ઉ.વ. ૩૮) હાલ ઇન્દોર (મધ્યપ્રદેશ) શહેરમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે LCB ટીમને તાત્કાલિક ઇન્દોર ખાતે આરોપીની તપાસ અર્થે મોકલી આપવામાં આવી હતી.
તપાસમાં ગયેલ ટીમે ઇન્દોર શહેરમાં વોચ રાખી, ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ અને ખાનગી રાહે સ્થાનિક બાતમીદારોથી સચોટ માહીતી એકત્રિત કરી હતી. લાંબી વોચ બાદ ભરૂચ જિલ્લાની નાસતા ફરતા આરોપીઓની યાદીમાં સામેલ આ આરોપીને ઇન્દોરના ન્યુ શિયાગંજ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપી અખીલેશ દિવાકરની પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી. તેના વિરૂધ્ધ ક્રીમીનલ પ્રોસિજર કોડની સલંગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે દહેજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

