ભરૂચ શહેરમાં સને ૨૦૧૩માં થયેલા સુનીલ તાપીયાવાલા ચકચારી મર્ડર કેસના મુખ્ય આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઝડપી પાડ્યો છે.
મુખ્ય આરોપી સચિન ઉર્ફે લાલુ ઉર્ફે વિશાલ શાહ S/O જયેશભાઈ પંડ્યા (ઉ.વ. ૩૬)ને આ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને તે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો. જોકે, સને ૨૦૧૬માં તે પેરોલ રજા મેળવીને સમયસર જેલમાં હાજર ન થતાં, લગભગ નવ વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર હતો. આ બાબતે ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પો.સ્ટે.માં પ્રિઝન એક્ટ હેઠળ ગુનો પણ નોંધાયેલો હતો.

ભરૂચ LCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, લાંબા સમયથી ફરાર આ આરોપી હાલ મોરબી ખાતે છુપાયેલો છે. બાતમીના આધારે LCBની ટીમે તાત્કાલિક મોરબી પહોંચી, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ આરોપી સુધી પહોંચવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા હતા. અથાગ મહેનતના અંતે, ટીમે આરોપીને મોરબીના મહેન્દ્રનગર સ્થિત તેના રહેણાંક (શીવ એપાર્ટમેન્ટ, ફ્લેટ નં. ૫૦૨) ખાતેથી ઝડપી પાડ્યો હતો.
પકડાયેલા આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતાની સલંગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેને વધુ તપાસ માટે ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પો.સ્ટે.ને સોંપવામાં આવ્યો છે. ગુનાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે.

