ગુજરાત સરકારના ગુજકોસ્ટ-ગાંધીનગર સંલગ્ન પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર અને જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, ભરૂચ દ્વારા આ વર્ષના મુખ્ય વિષય “ક્વોન્ટમ યુગની શરૂઆત: સંભાવના અને પડકારો” પર જિલ્લાકક્ષાના “નેશનલ સાયન્સ સેમિનાર-2025” નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના પ્રમુખ ગીતાબેન પટેલ, નવજીવન વિદ્યાલય, ભરૂચના આચાર્ય આર. બી. તડવી અને ચેરમેન કીર્તિ જોષી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કો-ઓર્ડિનેટર કેશા પ્રજાપતિ દ્વારા સેમિનારના નિયમો વિશે માહિતી આપવામાં આવી હતી.
સેમિનારમાં કોલેજ ઓફ એજ્યુકેશન, ખરોડના એસોસિએટ પ્રોફેસર ડૉ. પારૂલ ટંડેલ, અદિતિ શુક્લ અને નેહા પરીખે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. વિદ્યાર્થીઓએ મુખ્ય વિષય પર ચાર્ટ અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પોતાનું જ્ઞાન રજૂ કર્યું હતું. પ્રેઝન્ટેશન ઉપરાંત, વિદ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી માટે 20 પ્રશ્નોની લેખિત પરીક્ષા પણ યોજવામાં આવી હતી.
સેમિનારના અંતે, નિર્ણાયકો દ્વારા વિદ્યાર્થીઓને તેમના પ્રેઝન્ટેશનના આધારે મૌખિક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સ્પર્ધાના પરિણામોમાં શબરી વિદ્યા પીઠમ સ્કૂલના રાજવીર જાડેજા પ્રથમ ક્રમે, નારાયણ વિદ્યાલય, ભરૂચની ટંડેલ પ્રિયાંશી દ્વિતીય ક્રમે અને એસેન્ટ સ્કૂલ, અંકલેશ્વરની સગુફ્તા અન્સારી, એમીટી સ્કૂલ, ભરૂચની કાવ્યા શાહ અને લાયન્સ સ્કૂલ, અંકલેશ્વરના ભટ્ટ અંશ તૃતીય ક્રમે વિજેતા જાહેર થયા હતા.
પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા બનેલા વિદ્યાર્થીઓ આગામી સમયમાં રાજ્યકક્ષાના સેમિનારમાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તમામ સહભાગી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, ભરૂચના કો-ઓર્ડિનેટર કેશા પ્રજાપતિ અને કોમ્યુનિકેટર જીગર ભટ્ટે કર્યું હતું.

