જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તેમજ પ્રાયોજના વહીવટદારની ઉપસ્થિતિમાં જિલ્લા આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન (રસીકરણ) અને નેશનલ વેક્ટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત થયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે ખાસ કરીને સીઝનલ ફ્લૂ, પાણીજન્ય અને વાહકજન્ય રોગોનો ફેલાવો ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે જરૂરી દવાઓ, માસ્ક અને ટ્રીપલ ટેસ્ટિંગ કીટનો જથ્થો અગાઉથી સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રને આદેશ આપ્યા હતા.

બેઠક દરમિયાન રોગચાળા અટકાયત માટે દૈનિક ધોરણે થતી ડેટા એન્ટ્રી, સિકલસેલ એનીમીયા નિયંત્રણ, ક્લાઈમેટ ચેન્જ, લેપ્રેસી અને ટીબી કંટ્રોલ જેવા મહત્વના રાષ્ટ્રીય કાર્યક્રમો વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મુનિરા શુક્લાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લાની વર્તમાન આરોગ્ય પરિસ્થિતિ અને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો રજૂ કરી હતી. જાહેર જનતાની સુખાકારી માટે સંકલિત રીતે કામ કરવા અને છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ અને આરોગ્ય સમિતિના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

