ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ‘સ્વસ્થ નારી – સશક્ત નારી’ અભિયાન અંતર્ગત આજે જિલ્લા એસ.પી કચેરી ખાતે મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં આશરે 100 જેટલી મહિલા પોલીસકર્મીઓને વિનામૂલ્યે વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

વડોદરા રેન્જના આઈ.જી. સંદીપસિંઘ અને જિલ્લા એસ.પી અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં આયોજિત આ કેમ્પનો ઉદ્દેશ મહિલા પોલીસકર્મીઓના સ્વાસ્થ્યની સુરક્ષા કરવાનો છે. આઈ.જી. સંદીપસિંઘે જણાવ્યું કે, “પોલીસનું કામ જનતાની સેવા કરવાનું છે, પરંતુ તે માટે તેમનું પોતાનું સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે.”
મહિલા પોલીસકર્મીઓએ પોતાના આરોગ્યની ચિંતા કરવા બદલ પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે અન્ય પોલીસ અધિકારીઓ અને તબીબી નિષ્ણાતો પણ ઉપસ્થિત રહ્યા હતા.

