ભરૂચ પોલીસ વિભાગ દ્વારા ચોથા વર્ષે પણ ‘સલામત ગરબા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પોલીસે એક નવતર અભિગમ અપનાવ્યો છે, જેમાં ગરબા રમતી કોઈપણ દીકરીને મોડી રાત્રે અગવડ પડે તો પોલીસ તેને ઘરે મૂકી જશે.

પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડમાં નિઃશુલ્ક ‘સેફ એન્ડ સિક્યોર ગરબા’નું આયોજન કરવામાં આવ્યું છે. રેન્જ આઇજી સંદીપસિંહ અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. પી.એસ.આઈ વૈશાલી આહિરએ જણાવ્યું હતું કે, ખેલૈયાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શી-ટીમ અને 112ની ગાડીઓ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે.
વધુમાં, પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં ગરબા રમશે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને પોલીસ પણ તહેવારનો આનંદ માણી શકે. પોલીસ વિભાગે વાલીઓને ખાતરી આપી છે કે તેમની દીકરીઓની સુરક્ષા પોલીસની પ્રાથમિકતા છે.

