ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે સિવિલ રોડ પર હિતેશ નગર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવીને વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને ઝડપી પાડ્યો છે.
પોલીસે એક કિયા સેલ્ટોસ કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની કુલ ૮૯૯ બોટલ (કિંમત ₹૨.૨૯ લાખ) મળી આવી હતી. કાર અને દારૂ મળીને પોલીસે કુલ ₹૧૨.૩૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે અંકલેશ્વરના કાપોદ્રા ગામના રહેવાસી રમઝાન ઇદ્રિશ મુન્નાખા શેખને ઝડપી પાડ્યો છે. તેની પ્રાથમિક પૂછપરછમાં વલસાડની રુબીનાબાનુ સરફરાજ શેખ, અરવિંદ ઉર્ફે દાજી પટેલ અને ધર્મેન્દ્ર ઉર્ફે કાળિયો પટેલ સહિત ચાર બુટલેગરોના નામ ખુલ્યા છે. પોલીસે તમામ વોન્ટેડ બુટલેગરો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

