ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના ભરણ ગામની સીમમાં દરોડો પાડી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ‘કટિંગ’ના કારસાને નિષ્ફળ બનાવ્યો છે. પોલીસે સ્થળ પરથી એક સ્વીફ્ટ કાર અને જમીન પર પડેલા દારૂના કુલ ૧૪૦ બોક્સ મળી ₹૧૭.૧૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LCB ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ભરણ ગામની સીમમાં તળાવ પાસે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે કોઈને શંકા ન જાય તે રીતે ખેતરોના પગદંડી રસ્તે થઈને બાતમીવાળી જગ્યાએ ઓચિંતી રેડ કરી હતી. પોલીસને જોઈને સ્વીફ્ટ કારનો ચાલક અને અન્ય સંડોવાયેલા ઈસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
ઘટના સ્થળે તપાસ કરતા મારૂતી સ્વિફ્ટ કાર (નંબર GJ-05-JL-0335) માંથી અને તેની આસપાસ જમીન પર ગોઠવેલા વિદેશી દારૂના ૧૪૦ બોક્સ મળી આવ્યા હતા. જેમાં કુલ ૫૩૪૦ બોટલ દારૂ હતો, જેની કિંમત ₹૧૫,૧૬,૫૬૦/- આંકવામાં આવી છે. પોલીસે ₹૨ લાખની કાર અને દારૂ મળી કુલ ₹૧૭,૧૬,૫૬૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે સ્વીફ્ટ કારના અજાણ્યા ચાલક તેમજ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર તમામ ઈસમો વિરુદ્ધ પાનોલી પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ પોલીસ આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને તેની પાછળ કોનું નેટવર્ક છે તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.

