અંકલેશ્વરના પીરામણ નાકા સ્થિત યુનિયન બેંકમાં હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરતા એક ઈસમને ભરૂચ એસ.ઓ.જી. (SOG) ની ટીમે લાયસન્સના નિયમોના ભંગ બદલ સિંગલ બેરલ બંદુક અને ૧૦ જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યો છે. નાગાલેન્ડના હથિયાર પરવાનાના આધારે નોકરી કરતા આ ગાર્ડે સ્થાનિક તંત્રમાં કોઈ જ નોંધણી કરાવી ન હતી.

ભરૂચ એસ.ઓ.જી.ને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીરામણ નાકા, સ્ટેશન રોડ પર આવેલી યુનિયન બેંક ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા શશિનાથ આદિત્યનારાયણ તિવારી (રહે. કોસંબા, મૂળ બિહાર) પાસે નાગાલેન્ડના દિમાપુરનો હથિયાર પરવાનો હોવાનું બહાર આવ્યું હતું. નિયમ મુજબ, અન્ય રાજ્યનો પરવાનો ધરાવતા વ્યક્તિએ સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી કે પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવી ફરજિયાત છે, જેની અવગણના કરીને આરોપી ગત ૩ નવેમ્બરથી હથિયારી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો.
પોલીસે આરોપી પાસેથી ₹૨૫,૦૦૦ની કિંમતની ૧૨ બોરની સિંગલ બેરલ બંદુક, ₹૧૦૦૦ની કિંમતના ૧૦ જીવતા કારતુસ અને પરવાનાની નકલ જપ્ત કરી છે. આ મામલે અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ‘ધી આર્મ્સ એક્ટ’ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

