ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ સેવાશ્રમ રોડ પરથી પરપ્રાંતીય હથિયાર પરવાનાની સ્થાનિક નોંધણી કરાવ્યા વગર હથિયાર સાથે ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

SOG ટીમને બાતમી મળી હતી કે, સેવાશ્રમ રોડ પર હોસ્ટેલ ગ્રાઉન્ડ પાસે ઉભેલો સિક્યુરિટી ગાર્ડ ઉત્તર પ્રદેશનો હથિયાર પરવાનો ધરાવે છે, પરંતુ તેણે ગુજરાત કે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીમાં તેની અનિવાર્ય નોંધણી કરાવી નથી. પોલીસે તપાસ કરતા મૂળ યુપીના ઉન્નાવના વતની અને હાલ સિંધવાઈ ચોકી પાસે રહેતા કૃષ્ણકુમાર વિશ્રામ યાદવ પાસેથી ₹25,000ની કિંમતની 12 બોરની સિંગલ બેરલ બંદૂક અને 6 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આરોપી છેલ્લા બે માસથી સ્થાનિક જ્વેલર્સ શોપમાં ગાર્ડ તરીકે નોકરી કરતો હોવા છતાં નિયમ મુજબ પોલીસ કે વહીવટી તંત્રને જાણ કરી ન હતી. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.

