GUJARAT : ભાજપના રાજકીય કાર્યક્રમમાં સરકારી વરિષ્ઠ અધિકારીઓની ભાગીદારી: ગંભીર નિયમોનું ઉલ્લંઘન

0
15
meetarticle

ભાજપાના કમલમ કાર્યાલય ખાતે યોજાયેલ પક્ષીય કાર્યક્રમમાં જોડાયેલ સરકારી વેતન અને સુવિધા મેળવતા વરિષ્ઠ તબિબો અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિએ કરેલ નિયમોના ઉલ્લંઘન અંગે મહામહિમ રાજ્યપાલશ્રી અને રાજ્યના મુખ્ય સચિવશ્રીને પત્ર લખીને કડક પગલા ભરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપાના પક્ષીય કાર્યક્રમ તા. ૧ ફેબ્રુઆરીના રોજ કમલમ ખાતે યોજાયો હતો. જેમાં સરકારી કર્મચારી, સીવીલ હોસ્પીટલના સુપ્રિટેડન્ટ ડૉ. રાકેશ જોષી, પેરાપ્લેજીયા વિભાગના વડા ડૉ. પિયુષ મિત્તલ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. રાજુલ ગજ્જર જોડાયા હતા. ઉપરોક્ત ત્રણેય સરકારી કર્મચારીઓએ ગુજરાત સર્વીસ રુલ્સનો સદંતર ઉલ્લંઘન કરેલ છે. સાથોસાથ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાજુલ ગજ્જરે ગુજરાત સરકાર અને ગુરજારત પબ્લીક યુનિવર્સિટી એક્ટના ચેપ્ટર-૩ જોડાણ ૧૫(એફ) નું સ્પષ્ટ પણે ઉલ્લંઘન કરેલ છે.


સરકારી નાણાંથી વેતન અને સુવિધાઓ મેળવતા વરિષ્ઠ સરકારી કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય “કમલમ” ખાતે પક્ષીય કાર્યક્રમમાં જોડાઈને સરકારી સેવાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. આ ઘટના રાજ્યમાં ભાજપા દ્વારા સરકારી મશીનરી અને કર્મચારીઓના બેફામ રાજકીય દુરુપયોગનું સ્પષ્ટ ઉદાહરણ છે. આ કૃત્ય સીધું જ ગુજરાત સિવિલ સર્વિસીસ (કન્ડક્ટ) રૂલ્સ, ૧૯૭૧ના નિયમ ૫નું ઉલ્લંઘન છે, જેમાં સરકારી કર્મચારીને કોઈપણ રાજકીય પક્ષ અથવા રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેવા, સહયોગ આપવા કે સંલગ્ન રહેવાની સખત મનાઈ છે. આ ઉપરાંત, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાજુલ ગજ્જરે ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ, ૨૦૨૩નું પણ ઉલ્લંઘન કર્યું છે, જેમાં કુલપતિને રાજકીય પક્ષ અથવા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહેવાની પ્રતિબંધ છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાજપ સરકાર દ્વારા સરકારી તંત્ર, નાણાં અને કર્મચારીઓનો પક્ષીય રાજકીય લાભ માટે દુરુપયોગ થઈ રહ્યો છે. હવે તો સરકારી સિવિલ હોસ્પિટલના વડા અને યુનિવર્સિટીના કુલપતિ જેવા વરિષ્ઠ અધિકારીઓ પણ ખુલ્લેઆમ ભાજપના કાર્યક્રમોમાં જોડાઈ રહ્યા છે, જે લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું ઘોર અપમાન છે. આવું ચાલુ રહે તો સરકારી સેવાઓની નિષ્પક્ષતા અને જનતાનો વિશ્વાસ નાશ પામશે.
રાજ્યના બંધારણીય વડા તરીકે મહામહિમ રાજ્યપાલશ્રીને વિનંતી કરવામાં આવી છે કે, આ ગંભીર બાબતની તાત્કાલિક તપાસ કરાવીને સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કરી છે.

(ડૉ. મનિષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here