ભાવનગર એસ.ટી. બસ સ્ટેશનમાંથી બપોરના એક વાગે ઉપડતી ઉમરાળાની ટ્રીપ તંત્ર દ્વારા કોઈ અકળ કારણસર બંધ કરાતા રોષ વ્યાપેલ છે. ત્યારબાદ મુસાફરોને છેક અઢી વાગ્યા સુધી ઉમરાળાની બસ મળતી ન હોય પંથકના લોકો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે.

ઉમરાળા પંથકમાંથી દરરોજ સવારે કોેલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે ભાવનગર જતા અને બપોરે કોલેજથી છૂટયા પછી સમયસર ઘેર પરત પહોંચવા માટે વિદ્યાર્થી ભાઈ-બહેનોને ખૂબ જ ઉપયોગી બપોરના એકની બસ બંધ કરાઈ છે બાદ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને છેક અઢી વાગ્યા સુધી ઉમરાળાની બસ મળતી નથી.આથી બપોરના સમયે મુસાફરોને પારાવાર હેરાનગતિ વેઠવી પડે છે. તેમની મુશ્કેલીના હલ માટે બંધ અમરેલી બપોરના એકની બસ ફરીથી ચાલુ કરવાની અત્યંત આવશ્યકતા છે.આ ગંભીર બાબતે ઉમરાળા તાલુકા પંચાયતના પ્રમુખ હંસાબેન માંગુકિયાએ એસ.ટી.ભાવનગર ડિવિઝનમાં એક પત્ર પાઠવીને ભાવનગરથી બપોરના એક વાગ્યે ઉપડતી ઉમરાળાની બસ પુન ચાલુ કરવા માંગ ઉઠાવી છે. તેઓએ પત્રમાં વધુમાં લખ્યું છે કે,હાલ કેટલીક ટ્રેનો બંધ હોવાથી ભાવનગરથી ઉમરાળામાં આવવા-જવા ઇચ્છતા લોકો તેમજ ટીંબીની પ્રખ્યાત હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓની સુવિધા માટે ભાવનગર-ઉમરાળાથી ધોળા વચ્ચે બસના ફેરા વધારવાની અત્યંત આવશ્યકતા પણ ધ્યાને લેવી જરૂરી છે.

