ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષ-૨૦૨૫માં પડેલા વરસાદે એક દાયકાનો રેકોર્ડબ્રેક કર્યો છે. પ્રથમ વખત જિલ્લામાં સરેરાશ એક હજાર મિ.મી. એટલે કે ૪૦ ઈંચથી વધુ વરસાદ વરસ્યાનું નોંધાયું છે.

ગ્લોબલ વોર્મિંગની અસરથી ચોમાસાની પેટર્ન બદલાઈ હોય તેમ આ વર્ષે ઉનાળાની ઋતુ બાદ હવે શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વરસાદે પાછલા તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. પાછલા ૧૧ વર્ષમાં જિલ્લામાં આજે રવિવારે સાંજના ચાર વાગ્યાની સ્થિતિએ પ્રથમ વખત ૪૨ ઈંચ જેટલો સરેરાશ વરસાદ પડયો છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે સાડા આઠ ઈંચ વધુ પાણી વરસ્યું છે. હજુ થોડા દિવસ વરસાદની આગાહી છે, ત્યારે આ વર્ષે સરેરાશ ૧૧૦૦ મિ.મી. વરસાદ પડે તો પણ નવાઈ નહીં. મેઘરાજાની અતિશ્યોક્તિથી પાણીની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે, પરંતુ ખેતીપાકોને વ્યાપક નુકશાન થયું છે. જેના કારણે ધરતીપુત્રો હવે મેઘરાજાને ખમૈયા કરવા આજીજી કરી રહ્યા છે.
કયાં વર્ષમાં કેટલો વરસાદ ?
| વર્ષ | મિ.મી. | ટકા |
| ૨૦૧૫ | ૫૬૯ | ૯૯.૯૬ |
| ૨૦૧૬ | ૬૪૭ | ૧૧૨.૮૬ |
| ૨૦૧૭ | ૫૮૫ | ૧૦૦.૧૪ |
| ૨૦૧૮ | ૪૪૯ | ૭૪.૦૯ |
| ૨૦૧૯ | ૭૯૮ | ૧૩૫.૮૪ |
| ૨૦૨૦ | ૭૩૭ | ૧૨૩.૬૬ |
| ૨૦૨૧ | ૬૪૯ | ૧૦૮.૧૨ |
| ૨૦૨૨ | ૫૭૯ | ૯૪.૭૫ |
| ૨૦૨૩ | ૭૨૮ | ૧૧૮.૦૪ |
| ૨૦૨૪ | ૮૩૦.૪ | ૧૩૩.૧૮ |
| ૨૦૨૫ | ૧૦૪૧.૬ | ૧૬૫.૯૧ |

