દિવાળીનું પર્વ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ભાવનગર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મિલકત અને શરીર સંબંધિત ગુનાઓ અટકાવવા માટે કુલ ૧૬ ટીમો તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત સેન્સેટિવ વિસ્તારોમાં બાઈકર્સ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે.

દિવાળીના પર્વ દરમિયાન ભાવનગર શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ભાવનગર પોલીસ દ્વારા શહેરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દિવાળીના દિવસોમાં શરીર સંબંધિત અને મિલકત સંબંધિત ગુનાઓ બનતા અટકાવવા માટે એસઓજી, એલસીબી તથા ૧૧૨ વાન સહિત કુલ ૧૬ ટીમો બનાવવામાં આવી છે. જેઓ શહેરના સેન્સેટિવ અને કોમર્શિયલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે. ઉપરાંત આ વિસ્તારોમાં ૨૮ બાઈકર્સ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. જ્યારે આ દિવસો દરમિયાન ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના જુદાં-જુદાં અને ખાસ કરીને ભીડવાળા વિસ્તારોમાં અલગ-અલગ પોઈન્ટ પર ટ્રાફિક જવાનોની તૈનાતી કરવામાં આવશે. દિવાળીની રજાઓમાં ઘર બંધ કરીને ફરવા જતાં પરિવારોને ઘરમાં કિમતી સામાન નહી રાખવા અને સ્થાનિક પોલીસને જાણ કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા પોલીસવડાએ શહેરના વેપારીઓ સાથે બેઠક કરી હતી. વેપારીઓને પોતાની દુકાન કે શો-રૂમના સીસીટીવી ખાસ શરૂ રાખવા સુચના આપવામાં આવી છે.
ડ્રગ્સ, છેડતી, વ્યાજ અને વેપારીઓને હેરાનગતિના કિસ્સામાં સીધી એસપીને ફરિયાદ કરી શકાશે
ડ્રગ્સ, છેડતી અને વ્યાજના બનાવો તથા વેપારીઓને અસામાજીક તત્વો દ્વારા કરવામાં આવતી હેરાનગતિના બનાવો મામલે લોકો કોઈની શેહશરમ રાખ્ય વિના સીધી જ જિલ્લા પોલીસવડાને ૭૮૭૪૬૨૭૮૭૪ નંબર પર ફરિયાદ કરી શકશે.

