શહેરના ભીડનાકા બહાર આવેલા નાળામાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં કાદવ અને કીચડની ગંદકીથી ભરાયેલું પડયું છે તેમાં બાજુમાં આવેલી ઘાસચારા માર્કેટના ઉડતા કે નખાતા ચારાને ખાવા ઉતરતી ગાયોની લાંબા સમયથી કફોડી હાલત થઈ રહી હોવાની આસપાસના વેપારી વર્ગમાંથી ફરિયાદો ઉઠી છે.

નગરરક્ષક દેવતા તરીકે ભુજની સ્થાપના સમયના આવેલા દાંડીવાળા હનુમાનજી મંદિરે દર શનિવારે સાંજે મોટી સંખ્યામાં ભાવિક દર્શનાર્થીઓને આવવા જવામાં ઘાસચારા માર્કેટ આસપાસ રખડતા છોડી દેવાયેલા ઢોરથી જોખમ સતાવે છે.
આસપાસના ઘાસચારો વેચતા કેટલાક વિક્રેતાના મતે એકથી દોઢ ફૂટનો કાદવ જામી ગયો છે. આ કીચડમાં ઉભા રહીને પશુઓને ગંદકીવાળો ચારો ખાવો પડે છે જે બીમારી નોતરશે.વરસાદી નાળાની સફાઈ ન થવાના કારણે અને રસ્તા પર ઘાસચારો મુકાતો હોવાથી ગાયો – આખલા જાહેર રસ્તા પર જ ઉભા રહેતા હોવાથી વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડે છે જો આ રખડતા ઢોર રસ્તા ઉપર અડિંગો જમાવી બેસી જાય તો રસ્તો બંધ પણ થઈ જાય છે. ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જીવદયાપ્રેમીઓ માટે રખડતી ગાયોને ચારા દાન કરવું હોય તો ક્યાં કરવું તે પ્રશ્ન ઉભો થાય છે.
નગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવાય અને નાળાની સફાઈ કરાવાય તો ગાયોને કીચડમાંથી મુક્તિ મળે. અગાઉ રેલવે સ્ટેશન પાસે આવેલી પાંજરાપોળમાં ઘાસચારા માર્કેટ ખસેડવાની માંગ પણ ઉઠી હતી. છતાં પાલિકા તંત્ર દ્વારા નાળા સફાઈ કરવાની તસ્દી લેવાઈ નથી જેથી ગૌપ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે.

