કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલીને ‘શ્રી રામજી’ કરવાના નિર્ણય સામે જંબુસર તાલુકાના કાવી ગામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાવી યુનિયન જીન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, યોજનામાં થયેલા કરોડોના ભ્રષ્ટાચાર પર પડદો પાડવા અને જનતાનું ધ્યાન ભટકાવવા માટે જ આ નામ બદલવાનો હથકંડો અપનાવવામાં આવ્યો છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા અને માજી ધારાસભ્ય સંજય સોલંકીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ ક્યારેય ભગવાન રામની વિરોધી નથી, પરંતુ ૨૦ વર્ષથી મજૂરોને ગામમાં જ રોજગારી આપતી કાયદેસરની યોજનાના મૂળ નામ સાથે ચેડાં કરવા એ લોકશાહી વિરોધી છે. મનરેગાના ભ્રષ્ટાચારથી બચવા સરકાર ધાર્મિક નામનો આશરો લઈ રહી હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પ્રમુખ શરદસિંહ રાણા સહિતના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચીમકી આપી હતી કે જો આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો આગામી દિવસોમાં જિલ્લા સ્તરે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
