મહા શિવરાત્રીના મેળાને મુળ રીતે ઉજવવાને બદલે વધુ પડતા દેખાડા કરવાના અભરખામાં કરોડોનું આંધણ થશે બીજી તરફ યાત્રિકોને 10 કિમી ચાલવાની મજબુરી ઉભી કરવામાં આવી રહી છે.

પરંપરાગત યોજાતા મેળામાં આ વખતે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીઓ રાખવામાં આવી છે. આ એજન્સી દ્વારા કરવામાં આવેલા સુચનોના આધારે ગોઠવણ કરવામાં આવી રહી છે. ઈવેન્ટ એજન્સીએ ભૂતકાળના અનુભવ, મેળાની મુળ પરંપરાને બદલે દેખાડા પર વધુ ફોકસ રાખ્યું હોવાનો સુર ઉઠી રહ્યો છે.સરકાર દ્વારા કોઈપણ પ્રકારની જાહેરાત કે દેખાડો કરવામાં ન આવે તો પણ લાખોની સંખ્યામાં યાત્રિકો શ્રધ્ધા અને પોતાની ભાવના સાથે આવે છે. અત્યાર સુધી મેળામાં અનેક પ્રકારની મુશ્કેલીઓ હોવા છતાં લાખો લોકો આવે છે. કુંભ મેળાની જેમ શિવરાત્રીના મેળાને ભવ્ય બનાવવાના સરકાર અને તંત્ર દ્વારા સપનાઓ જોવામાં આવી રહ્યા છે પરંતુ ભવનાથમાં જગ્યાની દ્રષ્ટીએ સ્થિતિ અલગ છે. આ વખતે મેળામાં દેખાડો કરવા માટે સરકારના આદેશ મુજબ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કામ ચલાઉ સ્ટ્રક્ચરનું ડિઝાઈનીંગ, લેઆઉટ, અમલીકરણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓ અને રોશની માટે કરોડો રૂપીયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત મેળાના ભવ્ય આયોજન માટે કઈ ચીજ ક્યા સ્થળ પર કરવી તેના માટે ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સી રાખવામાં આવી છે. આ એજન્સી દ્વારા સ્થાનિક અધિકારીઓને સાથે રાખી તેણે કહ્યા મુજબ અલગ-અલગ કાર્યક્રમ માટે અલગ-અલગ સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમવાર જીલ્લા પંચાયતના ગ્રાઉન્ડમાં એસટી સહિતના અન્ય વાહન પાર્કિંગને બદલે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાશે. ભરડાવાવથી છેક ભવનાથ સુધીની દીવાલોમાં શિવરાત્રીને લગતા પેઈન્ટીંગ કરવાનો દેખાડો થઈ રહ્યો છે. કોઈ પ્રાઈવેટ ઈવેન્ટ હોય તેમ સરકાર દ્વારા મેળાનું આયોજન પણ અનુભવીઓને બદલે ઈવેન્ટ મેનેજમેન્ટના હવાલે કરી દેવામાં આવ્યું છે. મેળાની મુળ પરંપરા ભજન, ભોજન અને ભક્તિ છે તેના બદલે મોટા કલાકારોના ડાયરાઓ, દેખાડા, સુવિધા વધારવાને બદલે દુવિધા ઉભી કરવી સહિતના અનેક તાયફાઓથી હાલાકી પડે તેવી શક્યતાઓ છે.
મૈથલી ઠાકુર સહિતના કલાકારોનો જમાવડો
ભજન સંધ્યામાં સ્થાનિક કલાકારોને બદલે તાજેતરમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્ય અને કલાકાર મૈથલી ઠાકુર, ગીતા રબારી, એશ્વર્યા મજમુદાર સહિતના અનેક નામાંકિત કલાકારોને બોલાવવામાં આવશે તેવું નક્કી કરાયું છે. આ માટે કરોડો રૂપિયા ખર્ચ કરાશે.

