શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં સંતરામપુર નગરપાલિકા હૉલ ખાતે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” કાર્યક્રમ યોજાયો
ગુજરાત સહિત સમગ્ર દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૫ મા જન્મદિવસના અવસરે આજથી તા.૦૨ ઓક્ટોબર સુધી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન ચાલવાનું છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા હૉલ ખાતે આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ નારી ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ થકી છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ કર્યો છે. “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત જિલ્લાના પેટા આરોગ્ય કેન્દ્ર-આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાંતો દ્વારા મહિલાઓ સહિત બાળકોને આરોગ્ય સેવાઓ આપવામાં આવશે. તેનો મહિલાઓએ મહત્તમ લાભ લેવો જોઈએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જન્મથી લઈ મૃત્યુ સુધી અનેકવિધ યોજનાઓ થકી લોકકલ્યાણના કાર્યો કરવામાં આવે છે. આરોગ્ય ક્ષેત્રે લોકોને ઉત્તમ સુવિધાઓ ઘર આંગણે આપવામાં આવે છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના ૨૦૪૭ ના વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા દરેક ક્ષેત્રમાં વિકાસ થવો ખૂબ જરૂરી છે. તેથી સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિ સુધી પાણી,શિક્ષણ,આરોગ્ય અને રોડ-રસ્તા ઉત્તમ સુવિધાઓ આપવામાં આવે છે.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર સહિત ઉપસ્થિત સર્વેએ મધ્યપ્રદેશના ધારથી વડાપ્રધાનશ્રીનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. ઉપસ્થિતિ મહાનુભાવો દ્વારા સ્ટેજ પરથી યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જિલ્લા કલેકટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા પચાયત ઉપપ્રમુખ નંદાબેન, સંતરામપુર નગરપાલિકા પ્રમુખ નિશાબેન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, આરોગ્ય અધિકારી સી આર પટેલ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

