એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) દેશભરમાં ખેડૂત કલ્યાણ અને ટેકનોલોજીના પ્રચાર-પ્રસાર માટે સતત કાર્યરત છે. ખેતી ક્ષેત્રે વૈજ્ઞાનિકો દ્વારા થતાં નવા સંશોધનો, સરકારી યોજનાઓ અને આવનારી એડવાન્સ ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચાડવામાં આત્મા અગ્રેસર રહ્યું છે. હાલમાં, આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતો તેમની જમીનની ફળદ્રુપતા જાળવી શકે અને પોતાનું તેમજ સમગ્ર જીવસૃષ્ટિનું આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસારનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.

આ પ્રયાસના ભાગરૂપે, આત્મા પ્રોજેક્ટ મહીસાગર અંતર્ગત કડાણા તાલુકાના મઠ ડોડીયા ગામે ખેડૂતો માટે એક કિસાન ગોષ્ઠિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતતા લાવવાનો, તેમજ બાગાયત અને પશુપાલન ક્ષેત્રે થયેલા નવા સંશોધનો અને ઉપયોગી જાણકારી ખેડૂતો સુધી પહોંચાડવાનો હતો. આ કાર્યક્રમમાં મઠ અને આસપાસના ગામોના ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને માર્ગદર્શન મેળવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો, સાથે જ બાગાયત કેન્દ્ર તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાંથી હાજર રહેલ આત્મા અને બોર્ડના સ્ટાફે તેમની કામગીરી વિશે માહિતીગાર કર્યા હતા. ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારીશ્રીએ ખાતાની વિવિધ યોજનાકીય કામગીરીનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તથા એક પ્રગતિશીલ ખેડૂત દ્વારા પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને અનુભવો વિશે પણ ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમના સમાપન સમયે, મકાઈ ફાર્મ સ્કૂલના લાભાર્થીઓને અગ્નીઅસ્ત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રોગ-જીવાત અસ્ત્રને બનાવવાની અને તેને ખેતરમાં અસરકારક રીતે વાપરવાની પદ્ધતિ વિશે BRCC યુનિટ અને FPOના ચેરમેન શ્રી દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જિલ્લાના કડાણા તાલુકાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું, જે ખેડૂતોને આધુનિક અને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના આત્માના પ્રયાસોની સફળતા દર્શાવે છે.
REPOTER : વીરભદ્રસિંહ સિસોદિયા મહીસાગર

