મહીસાગર જિલ્લામાં તમામ સ્તરે કુપોષણને નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે ‘પોષણ અભિયાન’ અંતર્ગત ૦૮મા પોષણ માસ-૨૦૨૫નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનના ભાગરૂપે, સંતરામપુર ખાતે કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ,પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં પોષણ શપથ અને પોષણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રીએ પોષણ માસની ઉજવણી માટેની થીમ વિશે લોકોને જાગૃત કરવા માટે સૂત્રોચ્ચાર સાથે રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આજના શુભારંભ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં બાળકો અને સગર્ભા માતાઓના પોષણ વિશે જનજાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો અને પોષણ અંગેની શપથ લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ પોષણ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ, કિશોરીઓ અને ૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના પોષણમાં સુધારો લાવવાનો છે. આ અભિયાન વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે વર્તણૂકલક્ષી પરિવર્તન લાવીને સુપોષિત ભારતનું નિર્માણ કરવા પર ભાર મૂકે છે. પોષણ માસ દરમિયાન, વિવિધ પ્રવૃત્તિઓ અને જાગૃતિ અભિયાનોનું આયોજન કરીને કુપોષણની સમસ્યાઓ અને તેના સમાધાન અંગે જન-જાગૃતિ ફેલાવવામાં આવશે, જેથી દરેક નાગરિક સ્વસ્થ અને સુપોષિત બને.
REPOTER : વીરભદ્ર સિંહ સિસોદીયા. લુણાવાડા

