મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં, 556 વર્ષ જૂની રાજવી પરંપરા અનુસાર નવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવે છે. લુણાવાડાના રાજમહેલમાં રાજવી પરિવારના કુળદેવી ભુવનેશ્વરી માતાજીના મંદિરે, આસો સુદ એકમના દિવસે નવરાત્રીનો પ્રારંભ થાય છે.વર્ષોવર્ષની પરંપરા મુજબ લુણાવાડાના 44મા મહારાજા શ્રી સિદ્ધરાજસિંહજી લુણાવાડા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચોસઠ જોગણી કુંભનું સ્થાપન કરીને જવારા વાવવામાં આવ્યા હતા. આ અનોખી પરંપરા પાંચસો છપ્પન વર્ષથી ચાલી રહી છે જે આ ઉજવણીને વધુ ખાસ બનાવે છે.

નવરાત્રી દરમિયાન, ખાસ કરીને આઠમના દિવસે, આ જવારાના દર્શન કરવા માટે દૂર-દૂરથી ભક્તો આવે છે. આ દિવસોમાં, રાજમહેલમાં આવેલું આ પૌરાણિક મંદિર ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવે છે, જેથી તેઓ માતાજીના દર્શન કરી શકે અને પવિત્ર વાતાવરણનો અનુભવ કરી ધન્યતા અનુભવે.
આમ લુણાવાડામાં ચાલતી આ અનોખી રાજવી પરંપરા, ધર્મ અને સંસ્કૃતિનું સુભગ સમન્વય દર્શાવે છે અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.
REPORTER : સંદીપ દેવાશ્રયી…… મહીસાગર…….

