મહીસાગર જિલ્લાના સંતરામપુરની એક આગવી ઓળખ એટલે રવાડીનો મેળો, રવાડીનો મેળો એટલે સંસ્કૃતિ અને ધર્મનો સમન્વય, સંતરામપુર ખાતે ઐતિહાસિક રવાડીના મેળાનું આયોજન વર્ષોથી પરંપરાગત રીતે કરવામાં આવે છે તેમ આ વર્ષે પણ આ મેળાનું આયોજન કરી કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરના હસ્તે રીબીન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જૈન સમાજ દર વર્ષે ભાદરવા સુદ પાંચમથી ચૌદશ સુધી મહા પર્યુષણપર્વ ઉજવણી કરે છે. અને ત્યારબાદ પૂનમે નાની રવાડી તથા એકમ અને બીજ રવાડી(લાકડાનો અને ચાંદીનો રથ) આદિનાથ તીર્થકરની સોના-ચાંદીની પ્રતિમાને રથમાં બેસાડીને તેમની શોભાયાત્રા કાઢવામાં આવે છે. જૈન સમાજના લોકો ડાંડીયારાસની રમઝટ બોલાવે છે અને દિવસ રાત આ રથયાત્રા ફરે છે. અને બીજા દિવસે આદિનાથ તીર્થકરની સોના-ચાંદીની પ્રતિમાને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.
આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, મોરવા હડફ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, નગરપાલિકા ચીફ ઓફીસરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, પાલિકાના કોર્પોરેટરશ્રીઓ, સરપંચશ્રીઓ, સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : સંદીપ દેવાશ્રયી, મહીસાગર…

