મહુવાની નગર પ્રાથમિક શાળા નં. ૧૬ અને ૧૦ ના કમ્પાઉન્ડમાં આવેલું વર્ષો જૂનું જર્જરીત બિલ્ડીંગ અકસ્માતને આમંત્રણ આપી રહ્યું છે. આ શાળા પાસેથી ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પસાર થવાનું હોય ન કરે નારાયણ ને ભવિષ્યમાં દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે તે જાગૃત લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મહુવામાં વીટી નગર સોસાયટી પાછળ આવેલ નગર પ્રા.શાળા નં.૧૬ અને ૧૦ ના કમ્પાઉન્ડમાં શાળા નં.૧૦ નું વર્ષો જૂનું જર્જરિત બિલ્ડીંગ અકસ્માતને આમંત્રણ આપી રહ્યું છે. અહીં આવેલી કન્યાશાળા અને કુમારશાળામાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ જર્જરીત બિલ્ડીંગ શાળાના કમ્પાઉન્ડમાં જ છે જેથી કરીને અકસ્માતની સંભાવના પૂરી વર્તાઈ રહી છે. આ ગંભીર બાબતે મહુવા નગરપાલિકાને શાળા દ્વારા અનેક વખત રજુઆતો કરવામાં આવી હતી. દરમિયાન સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે, મહુવા નગરપાલિકાની સાધારણ સભામાં આ જર્જરીત બિલ્ડીંગ તોડી પાડવા માટે મંજૂરી પણ મળી ચૂકી છે તેમ છતાં મહુવા પાલિકા દ્વારા કોઈપણ જાતના યોગ્ય પગલા ભરવામાં આવ્યા નથી અહીં આવેલ કંપાઉન્ડમાં જર્જરીત શાળાના જૂના બિલ્ડીંગની સાથે નજીકમાં શાળા નં. ૧૬ અને શાળા નં. ૧૦ આવેલી છે તે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આ જર્જરીત બિલ્ડીંગ પાસેથી પસાર થવાનું હોય ત્યારે શુ નગરપાલિકા અકસ્માતની રાહ તો જોઈ રહી નહિ હોય ને તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે. હાલ આ જર્જરીત બિલ્ડીંગ અવાવરૂ લુખ્ખા તત્વોનો અડ્ડો બન્યો છે અહીં સાંજના સમયે દારૂ જુગારની મહેફિલો થાય છે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.
હાલ ઓફલાઈન ટેન્ડર પ્રક્રિયા શરૂ છે
મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, આ જર્જરીત બિલ્ડીંગની વિઝીટ નગરપાલિકા દ્વારા કરી લીધી છે ઉપરની સાઈડ નો જે જોખમી ભાગ હતો તેને દૂર કરેલ છે અને હાલ ઓફલાઈન ટેન્ડર પ્રક્રિયા શરૂ છે કોઈ એજન્સી દ્વારા ટેન્ડર ભરવામાં આવશે એટલે વહેલી તકે આ જર્જરીત બિલ્ડીંગને પાડવામાં આવશે. પરાક્રમસિંહ મકવાણા,ચીફ ઓફિસર, મહુવા નગરપાલિકા

