મહુવા તાલુકામાં માવઠાએ મીજાજ બદલતા અનરાધાર વરસાદ વરસ્યો હતો જેને લઇ માલણ નદી બે કાંઠે વહેતી થઇ હતી તો ધોધમાર વરસાદના પગલે શેરી મહોલ્લામાં કેડ સમાણા પાણી ભરાયા હતાં. તો નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસી જતા વ્યાપક નુકશાન થવા પામ્યું હતું.
મહુવા શહેર અને પંથકમાં શિયાળાની તુમાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે ગત મોડી રાતથી અનરાધાર મેઘ વર્ષા થતાં મહુવા શહેરના જાહેર માર્ગોમાં વરસાદી પાણીની નદીઓ વહેવા લાગી છે જાહેર માર્ગો સંપૂર્ણપણે વાહન વ્યવહાર બંધ જોવા મળ્યા હતા જ્યારે સોસાયટી વિસ્તારને જોડતા માર્ગો જેમાં વીટીનગર રોડ પ્રભાત, નગર રોડ, કોલેજ રોડ સહિતના માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો જ્યારે ગાંધીબાગ હેવન હોટલ પાસે શાક માર્કેટ પાસે હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં વધુ વરસાદી પાણી ભરાતા કોઈ ગંભીર દુર્ઘટના ન સર્જાય તે અનુસંધાને મહુવા પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉપરવાસ અને મહુવા શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે મહુવાની માલણ નદી પણ બે કાંઠે વહેવા લાગી હતી. માલણ નદીને અડીને આવેલા વિસ્તારોમાં તેમજ ભારે વરસાદના પગલે મહુવાના જનતા પ્લોટ વિસ્તાર નૂતન નગર મિલની ચાલી ખારના જાપા વિસ્તાર સહિતના નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં પણ ઘુસી ગયા હતા.

મહુવા-સાવરકુંડલાનો રસ્તો પાણીમાં ગરકાવ
ભારે વરસાદના કારણે મહુવા સાવરકુંડલા હાઈવેનું કામ શરૂ હોય જેથી આપેલ ડાયવર્ઝન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતા મહુવાથી સાવરકુંડલા રાજકોટ જામનગર સહિતના શહેરોને જોડતો માર્ગ બંધ થતા આ રૂટના તમામ વાહનો રાજુલા થઈ પસાર કરવા પડયા હતા.
પ્રસુતાને માછીમારીની બોટ દ્વારા માલણ બંધારો પાર કરાવ્યો
મહુવાનો માલણ બંધારો ઓવરફ્લો થતાં કતપર બંદર અને લાઈટ હાઉસ ગામ ને જોડતો માર્ગ પાણીમાં ગળકાવ થતા લાઈટ હાઉસ ગામના રહેવાસી સગર્ભા મહિલા ગંગાબેન બારીયાને ડીલેવરી અર્થે ૫૦૦ મીટર જેટલું અંતર મચ્છી મારવાની બોટ ( વાડકી) દ્વારા લાઈટ હાઉસ ગામથી માલણ બંધારો પાર કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૦૮ મારફતે તેમને મહુવા હોસ્પિટલ ખાતે ડીલેવરી અર્થ ખસેડવામાં આવેલ. બંદર, લાઈટહાઉસ બી પી એલ આવાસની ઇલેક્ટ્રિક લાઈટના થાંભલા (પોલ) માલણ બંધારા ઓવરફલો કારણે દરિયામાં તણાયા હતાં.

