મહેમદાવાદના ખાત્રજ ચોકડી નજીક રોડ ક્રોસ કરતા આધેડ પુરુષનું ઇકો ગાડીએ ટક્કર મારતાં ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ઇન્દિરાનગરીમાં રહેતા ગોપાલભાઈ મણીભાઈ દેવીપુજક તા.૧૪ ની સાંજે ખાત્રજ ચોકડી ગોપાલ લોજ નજીક રોડ ક્રોસ કરતા હતા. આ દરમિયાન પૂરઝડપે આવેલી ઇકો ગાડીનો ચાલક રોડ ક્રોસ કરતા પુરૂષને ટક્કર મારી નાસી ગયો હતો. ગોપાલભાઈ દેવીપુજકને ગંભીર ઈજા થતાં તુરંત જ સારવાર માટે ૧૦૮ મારફત મહેમદાવાદ સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા બાદ નડિયાદથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલે સાંજે સારવાર દરમિયાન ગોપાલભાઈ દેવીપુજકનું મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે ભરતભાઈ ગોપાલભાઈ દેવીપુજકની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

