GUJARAT : મહેસાણામાં SMCના દરોડા, ગ્રેનાઈટ પાઉડરની આડમાં કરોડોના દારૂની હેરાફેરી પકડાઈ

0
50
meetarticle

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ મહેસાણા બાયપાસ હાઈવે પર એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી આંતરરાજ્ય દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં SMC દ્વારા કુલ 1.09 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સપ્લાયર સહિત ચાર શખસોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ગ્રેનાઈટ પાવડરની આડમાં છુપાવ્યો હતો દારૂ

મળતી માહિતી અનુસાર, 17મી અને 18મી ડિસેમ્બર 2025ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણા-અમદાવાદ બાયપાસ હાઈવે પર આવેલા ઉપાસના સર્કલ નજીક અંડર બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તેની તલાશી લેતા, તેમાંથી ગ્રેનાઈટ પાવડરની આડમાં છુપાવેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની (IMFL) કુલ 25,747 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા આ દારૂના જથ્થાની બજાર કિંમત અંદાજે 94,60,156/- આંકવામાં આવી છે.

આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ

પોલીસે ઘટનાસ્થળેથી ટ્રક ડ્રાઈવર ભજનલાલ રત્નારામ બિશ્નોઈ (રહે. શેડવા, બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે દારૂનો આ જથ્થો છુપાવવા માટે 200 નંગ ગ્રેનાઈટ પાવડરની બેગ અને તાડપત્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે દારૂ, ટ્રક (કિંમત 15 લાખ રૂપિયા), મોબાઈલ ફોન અને અન્ય સાધન-સામગ્રી મળી કુલ 1,09,87,536નો મુદ્દામાલ કબજે કરી મહેસાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે.

આ કેસમાં પોલીસે દારૂ સપ્લાય કરનાર રાજસ્થાનના જાલોરના હિતેશભાઈ સુથાર, ટ્રક માલિક, પાયલોટિંગ કરનાર સ્વિફ્ટ કારચાલક અને દારૂ મંગાવનાર રીસીવર સહિત કુલ 04 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યાં છે. મહેસાણા રૂરલ પોલીસ દ્વારા ગુજરાત પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here