GUJARAT : મહેસાણા જિલ્લાના ખેરવા ખાતે ગણપત યુનિવર્સિટીનો ૧૯મો પદવીદાન સમારોહ યોજાયો

0
35
meetarticle

મહેસાણા
વિદ્યા દ્વારા સમાજના ઉત્કર્ષના ઉદ્દાત ધ્યેય સાથે જેની સ્થાપના થઇ છે તેવી ગણપત યુનિવર્સિટી તેનો ૧૯મો પદવીદાન સમારોહ સોમનાથથી ઉપસ્થિત રહી વર્ચ્યુઅલ માધ્યમથી શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે,શિક્ષણ એ માત્ર નોકરી મેળવવાનું સાધન નથી, પણ પરિવર્તનનું શક્તિશાળી શસ્ત્ર છે

શિક્ષણ મંત્રી ગણપત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સોમનાથથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા જોડાતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ પદવી એ તમારા સંઘર્ષ અને મહેનતનું પરિણામ છે. નેલ્સન મંડેલા, ડો. બાબાસાહેબ આંબેડકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોને ટાંકીને તેમણે ઉમેર્યું કે, શિક્ષણ એ વિશ્વ અને સમાજને બદલવાનું સૌથી શક્તિશાળી સાધન છે. શિક્ષણનો ખરો અર્થ માત્ર ડિગ્રી મેળવવી કે નોકરી મેળવવી નથી, પરંતુ માનવ જીવનની શક્યતાઓને વિસ્તારવી અને સામાજિક અવરોધોને તોડીને પ્રગતિના દ્વાર ખોલવાનો છે

વર્તમાન સમયના બદલાતા પ્રવાહોનો ઉલ્લેખ કરતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નિત નવીન પરિવર્તન જેવા પડકારોના યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં જૂની કારકિર્દીઓ પુનઃવ્યાખ્યાયિત થઈ રહી છે અને નવા ક્ષેત્રો ઉભરી રહ્યા છે. આજની પેઢી પાસે અગાઉ ક્યારેય નહોતી તેવી ટેકનોલોજી અને જ્ઞાનનું બળ ઉપલબ્ધ છે. તેમણે યુવાઓને આહ્વાન કર્યું કે, “તમારી ડિગ્રી એ માત્ર દીવાલ પર લટકાવવાની ટ્રોફી નથી, પણ એક સાધન છે.” મેડિકલની ડિગ્રી ત્યારે જ સાર્થક છે જ્યારે તે કોઈને સાજા કરે અને એન્જિનિયરિંગની ડિગ્રી ત્યારે જ સફળ ગણાય જ્યારે તે નવું સર્જન કરે.

નિષ્ફળતાથી ડર્યા વગર ‘જોબ ક્રિએટર’ બનવા પર ભાર મૂકતા વિદ્યાર્થીઓને જીવનના નવા સોપાન માટે માર્ગદર્શન આપતા મંત્રીશ્રીએ ત્રણ મૂળભૂત સત્યો પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ક્યારેય નાના કામથી શરૂઆત કરવામાં સંકોચ ન રાખવો, કારણ કે રસ્તાઓ હંમેશા કાર્યરત વ્યક્તિઓ માટે જ ખૂલતા હોય છે. આજે દેશને ‘જોબ સીકર’ (નોકરી શોધનાર) કરતા ‘જોબ ક્રિએટર’ (નોકરી આપનાર) યુવાનોની વધુ જરૂર છે. જીવનમાં આવતા નકાર અને પડકારોથી નાસીપાસ થયા વગર, જવાબદારી અને ગરિમા સાથે આગળ વધીને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવા તેમણે તમામ સ્નાતકોને પ્રેરણા આપી હતી.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ISRO)ના અધ્યક્ષ ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે,પદવીનું ઋણ અને સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ આજે તમને જે પદવી મળી રહી છે, તેમાં માત્ર તમારી મહેનત નથી પરંતુ તમારા માતા-પિતા, પ્રાથમિક શાળાના શિક્ષકો, યુનિવર્સિટીનો સ્ટાફ અને દેશના કરદાતાઓનો પણ ફાળો છે. દીક્ષાંત સમારોહ એ જીવનના નવા તબક્કામાં પ્રવેશ છે. આ તકે આપણે સંકલ્પ લેવો જોઈએ કે જે સમાજે આપણને ઘડ્યા છે, તે સમાજને આપણે કંઈક પરત કરીએ. ડૉ. નારાયણે સ્વામી વિવેકાનંદના સૂત્ર “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો” દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
તેમણે નિરંતર શીખતા રહેવાની પ્રક્રિયા (Continuous Learning)
શિક્ષણ એ માત્ર ડિગ્રી મેળવવા પૂરતું સીમિત નથી, પણ તે આજીવન ચાલતી પ્રક્રિયા છે.

ડૉ. નારાયણે ખૂબ જ સચોટ વાત કરી કે, “જે સ્નાતક આજે પદવી મેળવ્યા પછી આવતીકાલે વાંચવાનું કે શીખવાનું બંધ કરી દેશે, તે પરમદિવસે શિક્ષિત ગણાશે નહીં.” આપણે જે જાણીએ છીએ તે અલ્પ છે અને જે જાણવાનું બાકી છે તે અનંત છે. તેથી, આત્મવિશ્વાસ અને સ્વ-પ્રેરણા સાથે સતત કંઈક નવું શીખતા રહેવું એ જ સફળતાની ચાવી છે.

ભારતની અવકાશ ક્ષેત્રે હરણફાળ માં સાયકલથી ચંદ્ર સુધી ભારતે શૂન્યમાંથી સર્જન કર્યું છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે ૧૯૬૩માં જ્યારે આપણે સાયકલ પર રોકેટ લઈ જતા હતા ત્યારથી લઈને આજે આપણે અમેરિકા જેવા વિકસિત દેશોની હરોળમાં આવ્યા છીએ,ચંદ્રયાન-૩ દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આ ગૌરવશાળી સિદ્ધિઓ દર્શાવે છે કે ભારતની ટેકનોલોજી અને શિક્ષણ વ્યવસ્થા વિશ્વમાં કોઈનાથી ઉતરતી નથી. આગામી સમયમાં ૨૦૩૫ સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે અને ગગનયાન દ્વારા ભારતીયો અવકાશમાં જશે.

વિકસિત ભારત @ ૨૦૪૭ માં યુવાનોનો ફાળો મહત્વનો છે તેમ જણાવી તેમણે આઝાદીના સમયે ભારતની સાક્ષરતા માત્ર ૧૨% હતી, જે આજે ૮૦% સુધી પહોંચી છે. ભારત આજે વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ બનવા તરફ જઈ રહ્યું છે. આગામી ૨૨ વર્ષો દેશ માટે ખૂબ મહત્વના છે. દરેક વિદ્યાર્થીએ એવું ક્ષેત્ર પસંદ કરવું જોઈએ જ્યાં તેઓ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી શકે અને ભારતને ૧૦૦માં સ્વતંત્રતા પર્વ પહેલાં વિકસિત રાષ્ટ્ર બનાવવામાં સહભાગી બને તેવો યુવાનોને અનુરોધ કર્યો હતો

જીવનમાં સફળતા મેળવવા માટે ટીમવર્ક અને ઉમદા ચારિત્ર્ય હોવું અનિવાર્ય છે તેવું પ્રેરક માર્ગદર્શન આપતા ડૉ. નારાયણે ભાવુક અપીલ કરતા કહ્યું કે, વિશ્વની સૌથી સુંદર બાબત તમારા માતા-પિતાના ચહેરા પરનું સ્મિત છે અને એ સ્મિતનું કારણ તમે હોવા જોઈએ. જ્યારે હૃદયમાં ન્યાયીપણું હોય છે, ત્યારે ચારિત્ર્યમાં સુંદરતા આવે છે અને જ્યારે ચારિત્ર્ય સુંદર હોય, ત્યારે જ ઘરમાં સંવાદિતા અને રાષ્ટ્રમાં વ્યવસ્થા જળવાય છે. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવવું એ જ સુખી જીવનનું રહસ્ય છે.

ગણપત વિશ્વ વિધાલયના પદ્મશ્રી ગણપતભાઇ પટેલે ૨૬ વર્ષ પહેલાના દિવસો યાદ કરતા કહ્યું કે, “જ્યારે મેં અને મારા મિત્ર અનિલભાઈએ પ્રથમવાર આ કેમ્પસ પર પગ મૂક્યો હતો, ત્યારે અહીં માત્ર બાવળો હતા. તે સમયે મેં વચન આપ્યું હતું કે આ પવિત્ર ધરતી પરથી જેટલા બાવળ છે તેનાથી વધુ સ્નાતકો તૈયાર થશે. આજે ૧૯માં પદવીદાન સમારોહમાં ૪૭૨૯ વિદ્યાર્થીઓને પદવી ધારણ કરતા જોઈને મારું એ સપનું સાકાર થયું છે. આ માત્ર ડિગ્રી વિતરણ નથી, પણ વર્ષોની સખત મહેનતનું મીઠું ફળ છે.”

AI ના યુગમાં માનવીય મૂલ્યોનું મહત્વ
વર્તમાન ટેકનોલોજીના યુગ વિશે માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું કે, આજના સમયમાં જ્ઞાન તો AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) દ્વારા પણ મળી રહે છે, પરંતુ સામાજિક ક્ષમતા અને ચારિત્ર્ય એ સૌથી વધુ મહત્વના છે. તેમણે સ્નાતકોને શીખ આપી હતી કે, યુનિવર્સિટી માત્ર ડિગ્રી આપવા માટે નથી, પણ મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવા માટે છે. જીવનમાં વ્યવસાયિક કૌશલ્યની સાથે સાથે માનવતા, સંવેદનશીલતા અને નમ્રતા રાખવી અત્યંત અનિવાર્ય છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાના પેશન (જુસ્સા) ને ઓળખીને તેમાં સર્વોચ્ચ શિખર સર કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

સમાજ પ્રત્યેની જવાબદારી અને રાષ્ટ્ર નિર્માણ બાબતે પ્રમુખશ્રીએ અંતમાં વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો કે, “તમારી સફળતા માત્ર તમે કેટલી સંપત્તિ મેળવી તેનાથી નહીં, પણ તમે સમાજ માટે કેટલું સારું કાર્ય કર્યું તેનાથી મપાશે. ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે તમારી ઓળખ એવી હોવી જોઈએ કે દુનિયા તમારા પર આંખ મીંચીને વિશ્વાસ કરી શકે.” તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ભારતીય યુવાનો પ્રત્યેના વિઝનને યાદ કરી વિદ્યાર્થીઓને દેશનું ગૌરવ વધારવા અને સમાજ માટે જવાબદાર નાગરિક બનવા હાકલ કરી હતી.

શિક્ષણ, સંસ્કાર અને માતૃભૂમિનું ઋણ
ગણપત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં અશોક ચૌધરીએ વિદ્યાર્થીઓને જીવનના નવા પડાવ માટે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, અભ્યાસની સાથે પ્રામાણિકતા અને નૈતિકતાના ગુણો કેળવવા અનિવાર્ય છે. તેમણે ભગવાન રામને જન્મ ભૂમિના લગાવની મહત્તા આપતા સમજાવ્યું કે જન્મ આપનાર માતા અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. ગણપત દાદાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, વિદેશમાં સ્થાયી થયા પછી પણ પોતાની જન્મભૂમિનું ઋણ ચૂકવવા તેમણે આ શૈક્ષણિક સંકુલનું નિર્માણ કર્યું છે. વિદ્યાર્થીઓએ પણ ગમે તેટલી પ્રગતિ કરી હોય કે વિદેશ જાય, પરંતુ પોતાની સંસ્થા, માતા-પિતા અને રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ ક્યારેય ભૂલવું જોઈએ નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સ્વપ્નનો ઉલ્લેખ કરતા શ્રી ચૌધરીએ જણાવ્યું કે ભારત આજે વિશ્વની ચોથા નંબરની અર્થવ્યવસ્થા બની ઝડપથી મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે અમૂલ અને દૂધસાગર ડેરીની સફળતાની ગાથા વર્ણવતા કહ્યું કે, ૧ લાખ કરોડના ટર્નઓવરવાળું અમૂલ આજે ૩૬ લાખ પશુપાલક બહેનોની માલિકીની સંસ્થા છે, જે સહકારી ક્ષેત્રની તાકાત બતાવે છે. અંતમાં તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી કે દેશસેવા એટલે માત્ર સીમા પર લડવું જ નહીં, પણ વીજળી બચાવવી, અન્નનો બગાડ અટકાવવો અને પોતાના ક્ષેત્રમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું એ પણ સાચી દેશભક્તિ છે. ભારત અનેક તકોથી ભરેલો દેશ છે, જેનો લાભ લઈ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા તેમણે આહવાન કર્યું.

ગણપત યુનિવર્સિટીના પ્રો ચાન્સેલર મહેન્દ્ર શર્માએ યુનિવર્સિટીની સિદ્ધિઓ અને વૈશ્વિક ઓળખ મહાનુભાવોને જણાવી હતી

શ્રી શર્માએ જણાવ્યું હતું કે,ગણપત યુનિવર્સિટી માટે આ ગૌરવશાળી ક્ષણ છે કારણ કે ગુજરાત સરકાર દ્વારા તેને ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ (CoE) તરીકે માન્યતા આપવામાં આવી છે. રાજ્યની ૧૩૮ યુનિવર્સિટીઓમાંથી માત્ર ૧૦ યુનિવર્સિટીઓને જ આ દરજ્જો પ્રાપ્ત થયો છે, જેમાં ગણપત યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. આ વર્ષે ૪,૭૦૦ વિદ્યાર્થીઓ પદવી મેળવી સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા સજ્જ થયા છે.

તમને યુનિવર્સિટીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ ટેકનોલોજી જેવા ૧૫ નવા અભ્યાસક્રમો શરૂ કર્યા છે, સાથે જ ૩૨૩થી વધુ સંશોધન પત્રો અને ૧૦૦થી વધુ પેટન્ટ્સ ફાઇલ કરીને શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી છે. QS રેન્કિંગમાં ડાયમંડ રેટિંગ અને વૈશ્વિક સ્તરે ‘ઇમર્જિંગ યુનિવર્સિટી’ તરીકેનું સન્માન અમારી પ્રગતિની સાક્ષી પૂરે છે સહિત યુનિવર્સિટીની સિદ્ધિઓ વર્ણવી હતી

તેમણે ગણપતભાઈ સહિત દાતાઓનો આભાર માનતા”યુનિવર્સિટીના વિકાસમાં દાતાઓનો ફાળો અભૂતપૂર્વ રહ્યો છે તેમ જણાવ્યું હતું સાથે પ્રેસિડેન્ટ પદ્મશ્રી ડૉ. ગણપતભાઈ પટેલ (દાદા) અને તેમના પરિવાર દ્વારા અત્યાર સુધીમાં શિક્ષણના ઉમદા હેતુ માટે આશરે ૧૪૦ કરોડ રૂપિયાનું વ્યક્તિગત દાન આપવામાં આવ્યું છે, જેમાં માત્ર છેલ્લા એક વર્ષમાં જ ૫૦ કરોડ રૂપિયા (૫.૬૪ મિલિયન ડોલર)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, યુનિવર્સિટીના કર્મચારીઓએ પણ પોતાની ઉદારતા દાખવી ફાઉન્ડેશન ડે નિમિત્તે એક દિવસનો પગાર દાનમાં આપી અત્યાર સુધીમાં કુલ ૧ કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું છે. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે યુનિવર્સિટીએ ૬૮ મેડિકલ કેમ્પ દ્વારા ૫,૨૦૦ ગ્રામીણ નાગરિકોની સેવા કરી છે અને કિસાન ડ્રોન જેવા માધ્યમોથી ૯,૦૦૦થી વધુ ખેડૂતોને તાલીમબદ્ધ કર્યા છે સહિતની માહિતી આપી હતી

આ પ્રસંગે કોફી ટેબલ પુસ્તિકા નું વિમોચન કરાયું હતું આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું

અત્રે ઉલ્લેખનીય છેકે, શિક્ષણની વિવિધ આઠ વિદ્યાશાખા દ્વારા ૧૦૦ થી પણ વધારે અભ્યાસક્રમો રજુ કરતી ગણપત યુનિવર્સિટીની શીખવવાની પદ્ધતિમાં “Student First” અને “Character Must” ના સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખી “કરુણા” અને “સંવેદના” ના સદગુણો વિદ્યાર્થીઓમાં ખીલવાની સાથે ઉત્તમ નાગરિક બનાવવાનો છે. સારા અને ઉત્તમ વિદ્યાકૌશલ્યો દ્વારા શ્રેષ્ઠ વ્યવસાયિકો તો બને જ સાથે વિદ્યાર્થીઓ મુઠ્ઠી ઊંચેરા માનવી બની સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરવાનો છે

આ પદવીદાન સમારોહમાં ૪૭૨૧ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવીઓ એનાયત કરવામાં આવી હતી, જેમાં ૩૫૨૦ વિદ્યાર્થીઓ તેમજ ૧૧૯૯ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે, .આ તમામ પદવીઓમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાના ૮૮૫, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કક્ષાના 2૦, અન્ડર ગ્રેજ્યુએટ કક્ષાના ૨૨૭૧ અને ડિપ્લોમા કક્ષાના ૧૫૧૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.૪૯ વિધાર્થીઓ અને ૫૨ વિધાર્થનીઓ સાથએ વિશ્વ વિધાલયમાં ૧૦૧ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે પોતાના વિષયમાં ગહન અભ્યાસ કરી, કંઈક વિશેષ સંશોધન કરી પોતાની પ્રતિભાને માંજી છે એવા ૩૨ વિદ્યાર્થીઓને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી
ફેકલ્ટી પ્રમાણે એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ૨,૬૨૯ , ફાર્મસી ૧૨૫,. કોમ્પ્યુટર એપ્લિકેશન ૯૯૩ , મેનેજમેન્ટ સ્ટડીઝ ૪૭૫,. આર્કિટેક્ચર ડીઝાઇન એન્ડ પ્લાનિંગ ૨૨, સોશિઅલ સાયન્સ એન્ડ હ્યુમેનિટિઝ ૬૦,. કોર સાયન્સ ૩૫૩, એગ્રિકલ્ચર, એલાઇડ સાયન્સિસ એન્ડ ટેકનોલોજી ૬૨ વિધાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી

ગણપત યુનિવર્સિટીના આ ૧૯મા પદવીદાન સમારોહમાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓ, તેમનાં વાલીઓ, આમંત્રિત મહેમાનો, ગણપત યુનિવર્સિટીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ના સન્માનનીય સભ્યો, ટ્રસ્ટીશ્રીઓ, વિદ્વાન પ્રાધ્યાપકો સહીત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પદવીદાન સમારોહને સફળ અને સાર્થક બનાવ્યો હતો

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here