ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન ડો.જય નારાયણ વ્યાસે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આ અગાઉ અતિ વિકસિત રાજ્ય તરીકે ગુજરાત અને એ માટે કારણભૂત ‘ગુજરાત મોડેલ’ અંગેની વરવી વાસ્તવિકતા આપ સમક્ષ જાહેરમાં મૂકી. ગુજરાતના વિકાસના બણગાં કેટલાં પોકળ છે, તેનો દસ્તાવેજી પુરાવો પૂરો પાડ્યો હતો. આ સમગ્ર હકીકત નેશનલ ફેમિલી હેલ્થ સરવે—૫ જે ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે, તેના ઉપર આધારિત હતો અને એટલે ગુજરાત સરકાર અથવા કેન્દ્રમાં શાસનની ધૂરા સંભાળી રહેલ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ હકીકતોનો ઇન્કાર કરી શકે તેવી કોઈ શક્યતાઓ નથી.

ગુજરાતના વિકાસનું આ મૉડેલ કેટલું પોલું છે અને એને આધારિત વિકાસની વાતો કેટલી પોકળ છે, જેનો પુરાવો તાજેતરમાં બહાર આવેલ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દ્વારા બહાર પાડવામાં આવેલ માનવ વિકાસના સૂચકાંક ‘હ્યુમન ડેવલોપમેન્ટ ઇન્ડેક્ષ’ ઉપર આધારિત તાજેતરના અહેવાલ ઉપરથી માત્ર ગુજરાત જ નહીં પણ વૈશ્વિક તુલનામાં ભારત જેને ભારતીય જનતા પાર્ટી શાસિત સરકાર વિશ્વની બીજા નંબરની વિકસિત અર્થવ્યવસ્થા બનાવવાના ગુલાબી શમણાં આપણને વેચી રહી છે તે નર્યા જૂઠાણાનો પર્દાફાશ UNDPનો આ ‘હ્યુમન ડેવલોપમેન્ટ’ અંગેનો અહેવાલ નર્યું જૂઠ્ઠાણું સાબિત કરે છે, તે હકીકતો સાથે અહીં રજૂ કરીએ છીએઃ
