આણંદ એલસીબીએ આણંદ પાસેના મોગર અને મોગરી ગામે અલગ અલગ છાપા મારી દેશી દારૂની કુલ પાંચ ભઠ્ઠીઓ ઉપરથી ૪૬ લીટર દેશી દારૂ અને ૭૯૦ લીટર દારૂ ગાળવાનો વોસ મળી કુલ્લે રૂપિયા ૨૯,૮૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે પાંચ મહિલાઓને ઝડપી પાડી તેમના વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નવા વર્ષની ઉજવણીને લઇ આણંદ જિલ્લામાં દારૂની હેરફેર રોકવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આણંદ એલસીબીની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન આણંદ પાસેના મોગરી ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાતમી મળતા પોલીસે મોગરી ગામના ખોડીયાર નગર વિસ્તારમાં છાપો મારતા દેશી દારૂની બે ભઠ્ઠીઓ મળી આવી હતી. જ્યાંથી પોલીસે ૯ લિટર દેશી દારૂ અને ૩૪૦ લીટર વોસ સાથે બે મહિલાઓને ઝડપી પાડી હતી. જેમના નામઠામ અંગે પૂછતા સંગીતાબેન કમલેશભાઈ તળપદા અને મીનાબેન રાજુભાઈ તળપદા (બંને રહે. મોગરી, ખોડીયાર નગર) હોવાની ઓળખ આપી હતી. આ બંને ભઠ્ઠીઓ તેઓ ચલાવતા હોવાની કબુલાત કરતા બંનેને વિદ્યાનગર પોલીસના હવાલે કરતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની બીજી ટીમને માહિતી મળી હતી કે, મોગર ગામે બાપા સીતારામ પાછળના વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ કાર્યરત છે. જેથી પોલીસે છાપો મારતા ત્રણ જગ્યાએથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓ મળી આવી હતી. જ્યાંથી પોલીસે ૩૭ લીટર દેશી દારૂ અને ૪૫૦ લીટર વોસ સાથે ત્રણ મહિલાઓને ઝડપી પાડી હતી. પોલીસે તેમના નામ ઠામ અંગે પૂછતા કમળાબેન ભગાભાઈ તળપદા, મંગુબેન રાજુભાઈ તળપદા અને મંજુલાબેન રમેશભાઈ તળપદા (તમામ રહે. મોગર, બાપા સીતારામ વિસ્તાર પાછળ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેય મહિલાઓને વાસદ પોલીસના હવાલે કરતા વાસદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

