સૂર્ય ચંદ્રની ગતિ પર આધારિત ભારતીય હિન્દુ કેલેન્ડર મૂજબ આ વખતે કારતક સુદ 12ની તિથિનો ક્ષય હોવાથી આવતીકાલે અને રવિવારે એકાદશે પરંતુ, રવિવારે ચાર ઉત્તમ યોગ સર્જાતા હોય વિષ્ણુ અને તુલસીજીની પૂજા માટે ઉત્તમ દિવસ મનાતો હોય રવિવારે દેવઉઠી એકાદશી અને તુલસી વિવાહની ઉજવણી થશે. આ ઉપરાંત દેવાધિદેવ મહાદેવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો તે નિમિત્તે તા. 5ના દેવદિવાળી ઉજવાશે જે દિવસે દેવતાઓ ધરતી પર આવતા હોવાની શ્રધ્ધા રહી છે.

એકાદશી ઉજવણી અંગે જણાવ્યું કે આ વખતે બે એકાદશી તિથિ છે તેમાં રવિવાર તા. 2ના (1) સર્વાર્થ સિધ્ધિ યોગ (2) ત્રિપુષ્કર યોગ (3) સાનુકૂળ પૂર્વ ભાદ્રાપદ નક્ષત્ર અને (4) દેવઉઠી એકાદશીનો ઉત્તમ યોગ બન્યો છે જેના કારણે રવિવારે તુલસી વિવાહ સાથે એકાદશીની ઉજવણી થશે અને આ દિવસથી સગાઈ, લગ્ન વગેરે માંગલિક પ્રસંગોનો પણ પ્રારંભ થશે. કારણ કે લોકશ્રધ્ધા મૂજબ દેવઉઠી એકાદશી પછી શુભ મુહૂર્તમાં દેવતાઓ શુભ પ્રસંગોએ આશિર્વાદ આપવા આવતા હોય છે. આ અગિયારસ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઉજવાય છે તેમજ બિલિપત્ર એકાદશી પણ કહે છે. ઈશ્વરના પૂજન માટે તથા નવા કાર્યના આરંભ માટે આ શુભ દિવસ હોવાનું વધુમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે ધર્મસ્થળોએ તેમજ ઘરે ઘરે હજારો લોકો તુલસી વિવાહનો પ્રસંગ ધામધૂમ અને શ્રધ્ધાપૂર્વક ઉજવતા રહ્યા છે અને આ દિવસે તુલસીજી અને શાલીગ્રામ સ્વરૂપ વિષ્ણુજીના લગ્ન થતા આનંદોત્સાહ પ્રગટ કરવા આતશબાજી પણ થતી હોય છે.

